ગાંધીનગર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી નિયુક્તિના બીજા દિવસે ગુજરાત દોડી આવ્યા છે. અમદાવાદ આવી પહોંચેલા ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્માએ પ્રદેશના હોદ્દેદારોની સાથે બેઠકો યોજી હતી. અમદાવાદ આવેલા નવનિયુક્ત પ્રદેશ પ્રભારીનું કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરાયું હતું.ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસનાં પ્રભારીની જગ્યા ખાલી હતી. જેને લઈને કોંગ્રેસનાં રાષ્ટ્રીય મોવડીમંડળ દ્વારા ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી તરીકે રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી રઘુ શર્માની નિયુક્તિ કરવામાં આવી હતી. ગઈકાલે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારીની નિયુક્તિ કરાયા બાદ રઘુ શર્મા આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. રઘુ શર્મા અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા ગુજરાત કોંગ્રેસનાં આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ અમદાવાદ શહેરના નગરદેવી એવા ભદ્ર કાળી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. ભદ્રકાળી માતાના દર્શન બાદ ગુજરાત કોંગ્રેસનાં નવનિયુક્ત પ્રભારી જગન્નાથ મંદિર દર્શન કરવા ગયા હતા.  અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસનાં સિનિયર આગેવાનો સાથે સાથે મુલાકાત કરી હતી.આ ઉપરાંત આવતીકાલે ગાંધીનગર ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના સભ્યો સાથે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્મા એક બેઠક યોજવાના છે.