હિંમતનગર-

હિંમતનગરના હાર્દસમા તથા સતત વાહનોથી ધમધમતા મોતીપુરા સર્કલ પર સોમવારે અચાનક એસટી નિગમની એક બસ રોડ વચ્ચે ખોટકાઈ જતા ટ્રાફીકજામના દ્રષ્યો સર્જાયા હતાં . અને અમદાવાદ તથા ઉદેપુર અને હિંમતનગર તરફથી આવતા વાહનો માટે રસ્તો ખુલ્લો ન હોવાને કારણે દોઢ કિલોમીટર સુધીની વાહનોની લાઈનો લાગી ગઈ હતી . આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના મોતીપુરા સર્કલ પર ઉદેપુર , અમદાવાદ તથા હિંમતનગરમ તરફથી આવતા વાહનો અહીથી પસાર થતા હોવાને કારણે રાતદિવસ આ વિસ્તાર વાહનોથી ધમધમતો રહે છે . તેમજ નજીકમાં આવેલા બસ સ્ટેન્ડ પરથી નિકળતી બસો અમદાવાદ તરફ જાય છે . દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી નેશનલ હાઈવેનું કામ ચાલુ હોવાને કારણે એક તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે . જેના લીધે તમામ વાહનોની અવરજવર એક જ રોડ પર થઈને થઈ રહી છે . અને ખાનગી વાહનો તથા દ્વિચક્રિ વાહનો પણ સતત અવરજવર કરતા હોવાથી રોડ ભરચક રહે છે . દરમિયાન સોમવારે અચાનક અમદાવાદ તરફથી આવતી એક બસ ખોટકાઈ જતા રોડની વચ્ચે ઉભી થઈ ગઈ હતી . તો બીજી તરફ હિંમતનગર તરફથી જતી બસ અને અન્ય વાહનોને અવરજવર કરવાનો રસ્તો ખુલ્લો ન હતો . તેથી જોતજોતામાં રોડની બંને તરફ વાહનોની દોઢ કિલોમીટર સુધી લાઈનો લાગી ગઈ હતી . ખાસ્સા સમય બાદ પોલીસે આવીને ટ્રાફીકજામ દુર કરવા માટે વાહનોને આગાપાછા કરી રોડને ખુલ્લો કર્યો હતો . બીજી તરફ હાઈવે રોડનું કામ ગોકળગતિએ ચાલતુ હોવાને કારણે અવારનવાર મોતીપુરા સર્કલ પર વાહનો ખોટકાઈ જવાના કારણે અથવા તો ઓવરટેક કરવાની લાયમાં ટ્રાફીક જામ થઈ જાય છે . એટલુ જ નહી પણ જીઆઈડીસી સહિત રોડ પર બની રહેલા ઓવરબ્રિઝને કારણે કામ ધીમુ થતુ હોવાથી આખરે તો વાહનચાલકોને રોજબરોજ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે . વાહનચાલકો તથા આમપ્રજાનું કહેવુ છે કે હાઈવે ઓથોરીટીએ કામમાં ઝડપ લાવવા માટે તેમના ઈજારદારોને તાકીદ કરવી જોઈએ અને જ્યા સુધી રોડનું કામ પૂર્ણ ન થાય ત્યા સુધી આવતા અને જતા વાહનો માટે વિકલ્પ શોધવો જોઈએ .