હાલોલ, પાછલાં એક માસ ઉપરાંતથી કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલ ત્રણ નવા કૃષિ કાયદાને લઈને ઉત્તરભારતના ખેડૂતો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બુધવારના રોજ હાલોલ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતીના સભ્યો દ્વારા દેશના મહામહિમ રાષ્ટ્રપતિજીને સંબોધિને ક્ન્દ્ર સરકાર દ્વારા ત્રણ નવા કૃષિ કાયદા ઘડીને દેશના ખેડૂતોને મૂઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં મુકી દેવામાં આવ્યા હોવાથી, કેન્દ્રની ભાજપાની સરકાર દ્વારા ખેડૂત વિરોધી કાયદાઓને પાછા ખેંચીને તાત્કાલીક રદ કરવામાં આવે તેવી માંગણી સાથેનું આવેદનપત્ર હાલોલ મામલતદારને આપવામાં આવેલ હતું. 

 પાછલાં એક મહિના ઉપરાંતથી કેન્દ્ર સરકાર દ્વારા ઘડી કાઢવામાં આવેલ ત્રણ નવા કૃષિ સંબંધીત વિધેયકોનો ઉત્તરભારતના તેમજ સમગ્ર દેશના કિસાનો ને ખેતમજૂરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશના ભાજપા શાસિત રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ તેમના સ્થાનિક વહિવટીતંત્રને કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલ કૃષિ કાયદાઓનો વિરોધ નોંધાવતા આવેદનપત્ર આપવામાં આવેલ હતા. જે અંતર્ગત હાલોલ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતીના સભ્યો ને સદસ્યો દ્વારા દેશના મહામહિમ રાષ્ટ્રપતિજી શ્રી રામનાથ કોવિન્દજીને સંબોધીને બુધવારના રોજ હાલોલ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલ હતું. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્થાપિત સંસદીય પ્રણાલીનો ભંગ કરીને મૌખીક મતદાન દ્વારા ઉતાવળે ચર્ચા વગર પસાર કરવામાં આવેલ કૃષિ સંબંધીત ત્રણ કાયદાઓને તત્કાળ પરત ખેંચી રદ કરવામાં આવે તેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કાળા કાયદા ઘડીને દેશના અન્નદાતા કિસાનોને ખેતમજૂરોની કાળી મહેનત ને પરિશ્રમને મૂઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરને રાખીને દેશની હરિત ક્રાંતિને ખતમ કરવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું છે.