વડોદરા, તા.૧૭ 

વરસાદે હજુ જમાવટ કરી નથી ત્યાં મગરો સહિત જળચર જીવો નદી, તળાવો, નાળામાંથી બહાર આવી જવાની શરૂઆત થઈ ગઈ છે. ગત મધ રાત્રે શહેરના લાલબાગ બ્રિજ નીચે એસઆરપી કંપાઉન્ડની પાસે રોડ પર ટહેલવા નીકળેલા પાંચ ફૂટના મગરને પ્રાણીપ્રેમી સંસ્થાના કાર્યકરોએ રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કર્યો હતો.

ચોમાસાની ઋતુનો પ્રારંભ થયો છે. વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસથી છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે નદી, નાળા, તળાવો અને કાંસમાંથી મગરો સહિત જળચર જીવો બહાર આવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગત રાત્રે લાલબાગ બ્રિજ નીચે એસઆરપી કંપાઉન્ડની બહાર રોડ પર મગર ટહેલવા નીકળ્યો હતો. આ અંગેની જાણ પ્રાણીપ્રેમી સંસ્થાના હેમંત વઢવાણાને કરાતાં તે અને વન વિભાગના કર્મચારીઓ જિજ્ઞેશ પરમાર તરત જ સ્થળ પર દોડી ગયા હતા અને પાંચ ફૂટના મગરને રેસ્કયૂ કરીને વન વિભાગ ખાતે લાવવામાં આવ્યો હતો.