મુંબઇ 

રેપ મામલે થયેલી પૂછપરછના એક દિવસ પછી ફિલ્મમેકર અનુરાગ કશ્યપ તરફથી તેની વકીલ પ્રિયંકા ખેમાણીએ એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે. તેમાં અનુરાગ પર લાગેલા બધા આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. સ્ટેટમેન્ટ મુજબ એક્ટ્રેસે ઓગસ્ટ 2013માં જ્યારે ઘટના ઘટી હોવાનું જણાવ્યું તે સમયે અનુરાગ દેશની બહાર શ્રીલંકામાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. 

સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું કે કશ્યપે તેના દાવા સાથે જોડાયેલા તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ તપાસ અધિકારીને જમા કરાવી દીધા છે. તે પહેલાં ગુરુવારે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગની લગભગ 8 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. તે સવારે 10 વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સાંજે 6 વાગ્યા પછી ત્યાંથી નીકળ્યા હતા.

વકીલે રિલીઝ કરેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું, 'વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફાઈલ કરેલી FIRમાં એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે ઓગસ્ટ 2013માં મારા ક્લાયન્ટ અનુરાગ કશ્યપે તેને પોતાના ઘરે બોલાવી હતી અને તેનું યૌન શોષણ કર્યું હતું. મિસ્ટર કશ્યપે આ બાબતે પુરાવા તરીકે એ બધા ડોક્યુમેન્ટ્સ સોંપી દીધા છે જેનાથી ખબર પડે કે ઓગસ્ટ 2013માં તે પોતાની ફિલ્મના શૂટિંગ માટે આખો મહિનો શ્રીલંકામાં હતા.'

તેમણે જણાવ્યું કે, 'કશ્યપે સ્પષ્ટપણે કહ્યું છે કે ક્યારેય આ પ્રકારની કોઈ ઘટના થઇ ન હતી અને પોતાના વિરુદ્ધ લગાવવામાં આવેલા બધા આરોપોને નકારે છે.'

આગળ કહ્યું છે કે, 'અનુરાગ કશ્યપ તેમના પર લગાવવામાં આવેલા ખોટા અને કપટથી ભરપૂર આરોપોથી વ્યથિત છે. સાથે જ આનાથી તેમને, તેમના પરિવાર અને તેમના ફેન્સને દુઃખ થયું છે. અનુરાગ કશ્યપ પોતાના માટે અવેલેબલ દરેક લીગલ ઉપાયોના ઉપયોગ માટે પ્રતિબદ્ધ છે. અનુરાગે ઉગ્ર રીતે આવી કોઈપણ ઘટના ઘટી હોવાની વાત નકારી છે, સાથે જ તેમણે ખોટા હેતુની પૂરતી માટે ન્યાય વ્યવસ્થાનો દુરુપયોગ કરીને અને મીટૂ આંદોલનને હાઇજેક કરવા બાબતે ફરિયાદી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. અનુરાગ કશ્યપ ને વિશ્વાસ છે કે ન્યાય જરૂર થશે.'