અમદાવાદ-

કોરોનાની પ્રથમ લહેર દરમિયાન સમરસ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન દર્દીઓ, પોલીસ, ડોકટર, પેરા મેડિકલ સ્ટાફના 2,500 જેટલા લોકો પર સંમતિ સાથે દવાનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. સમય જતાં દવામાં સુધારાવધારા કરવામાં આવ્યા હતા અને આયુર્વેદિક દવા ઈમ્યુરાઈઝ તૈયાર કરવામાં આવી છે, જેનું યોગ્ય પરિક્ષણ કર્યા બાદ ICMR તરફથી પણ લીલી ઝંડી આપવામાં આવી છે. ICMR દ્વારા મંજૂરી મળતાં હવે દવા બજારમાં મૂકવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર દરમિયાન જ લાઈફ સાયન્સ વિભાગ દ્વારા દવા માટે સંશોધન કરવામાં આવી રહ્યું હતું. પ્રથમ લહેરની સાથે દવા માટે તૈયારી કરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ છે. લાઈફ સાયન્સ વિભાગના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ સાથે મળીને આયુર્વેદિક દવા ઈમ્યુરાઇઝ તૈયાર કરી છે. આને ICMRની મંજૂરી મળી છે. આ દવા સામાન્ય દવાની જેમ જ હશે, જેને કોરોનાથી સંક્રમિત વ્યક્તિ દિવસમાં 3 વાર લેવાની રહેશે. દવાના કારણે વ્યક્તિની ઈમ્યુનિટી વધશે. આયુર્વેદિક દવા હોવાને કારણે કોઈ આડઅસર પણ નથી. દવા પરની બાકીની પ્રકિયા ટૂંક જ સમયમાં પૂર્ણ કરવાના આવશે અને દવા બજારમાં સરળતાથી મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવશે. દવા ખૂબ નજીવી કિંમતે મળી રહેશે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા છે. તેવામાં દેશભરમાં કોરોના વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ કોરોના માટેની દવા માટે પણ અનેક સંસ્થાઓ કરી કરે છે. તેવામાં ગુજરાત યુનિવર્સિટીદ્વારા સંશોધન કરીને બનાવવામાં આવેલી દવાને ICMRએ મંજૂરી આપી છે. આ દવાને ટૂંક સમયમાં બજારમાં લોકોને મળી રહે તે રીતે નજીવી કિંમતે મૂકવામાં આવશે.