રાજકોટ પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલને ફરી રાજકારણમાં અભરખા જાગ્યા છે. આજે ખોડલધામ પાટોત્સવને લઈને યોજાયેલી બેઠક બાદ મીડિયા સમક્ષ રાજકારણમાં પ્રવેશ કરવા ફરી રાગ આલાપ્યો હતો, જેમાં નરેશ પટેલે પોતે સ્વીકાર કર્યો હતો કે ખોલધામના પંચવર્ષીય પાટોત્સવના આયોજનના આમંત્રણ માટે છેલ્લા ચાર મહિના ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરતા સમાજના અનેક લોકોએ રાજકારણમાં પ્રવેશ કરવા આગ્રહ કર્યો હતો. જાેકે સમાજની લાગણી હશે તો હું રાજકારણમાં જાેડાઇશ એવું તેમણે કહ્યું હતું. રાજકારણમાં જાેડાવાની ઘણી ઇચ્છા છે, પણ સમાજના ખંભે ઠીકરું ફોડવું હોય એવો ઘાટ સર્જાયો છે.

રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે આવેલા ખોડલધામ મંદિરને આગામી ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ૫ વર્ષ પૂર્ણ થતાં પંચવર્ષીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાખોની જનમેદની એકઠી કરવા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જાેકે કોરોનાના કેસો વધતાં ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી સરકારની ગાઇડલાઇન્સનું પાલન કરી આ કાર્યક્રમમાં ફેરફાર કરી ૧૦૮ કુંડી યજ્ઞને બદલે એક મહાયજ્ઞ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાસભા મોકૂફ રાખી કોવિડ સ્થિતિ થાળે પડતાં આગામી સમયમાં મહાસભા યોજવામાં આવશે.

આ સાથે જ દિવ્ય ભાસ્કર દ્વારા રાજકીય સવાલ કર્યો હતો કે છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં નરેશ પટેલના પ્રવેશ અંગે ચર્ચા ચાલી રહી છે તો આ મહાસભામાં પ્રવેશ અંગે જાહેરાત કરવામાં આવશે? જેના જવાબમાં નરેશ પટેલે હસતાં હસતાં જવાબ આપી કહ્યું હતું કે આજે આ જવાબ આપવો થોડો વહેલો છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે છેલ્લા ૪ મહિનામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં પાટોત્સવ કાર્યક્રમનું આમંત્રણ આપવા સમયે સમાજના લોકોએ મને રાજકારણમાં પ્રવેશ અંગે ખૂબ જ આગ્રહ કર્યો હતો. ત્યારે સમાજની લાગણીને માન આપી સમાજ કહેશે તો ચોક્કસ રાજકારણમાં પ્રવેશ કરીશ.

જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે ત્યારે નરેશ પટેલનાં નિવેદનો સામે આવતાં હોય છે. આ વર્ષે પણ ૨૦૨૨ની ચૂંટણી નજીક આવતાં સૌથી પહેલો સૂર એ હતો કે મુખ્યમંત્રી પાટીદાર સમાજના હોવા જાેઈએ અને થોડા સમય બાદ ભાજપ સરકારે વિજય રૂપાણીને હટાવી પાટીદાર મુખ્યમંત્રીની પસંદગી કરી ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા દીધા. આ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ રાજકોટ આવી નરેશ પટેલ સાથે બંધ બારણે ચાય પે ચર્ચા કરી હતી. જ્યારે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ પણ નરેશ પટેલ સાથે ચાય પે ચર્ચા કર્યા બાદ નરેશ પટેલને પદ્મઅવૉર્ડ મળવો જાેઈએ એવું નિવેદન કર્યું હતું.

બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ રાજકોટમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે નરેશ પટેલ માટે કોંગ્રેસનાં દ્વાર હંમેશાં ખુલ્લાં છે. મારા અગાઉના નેતાઓ પણ તેમને આવકારવા તૈયાર જ હતા અને અમે આજે પણ તૈયાર છીએ, પરંતુ મુખ્યમંત્રીપદનો ચહેરો નરેશ પટેલ બની શકે કે નહીં એ જણાવ્યું નહોતું. ચૂંટાયેલા ધારાસભ્યો મુખ્યમંત્રી નક્કી કરે એ કોંગ્રેસની સિસ્ટમ હોવાનું નિવેદન કર્યું હતું.આખરે આજના નરેશ પટેલના નિવેદન અને બોડી લેન્ગ્વેજ પરથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે નરેશ પટેલ જરૂર રાજકારણમાં પ્રવેશ કરશે અને આગામી સમયમાં યોજાનારી સમાજની મહાસભામાં પોતાનો અંગત મંતવ્ય આ સભામાં રજૂ કરી શકે એમ છે. બીજી વાત એ પણ નકારી શકાય એમ નથી કે હર હંમેશની જેમ બંને પક્ષોમાં પગ રાખી પોતે રાજકારણમાં પ્રવેશ કર્યા વગર પોતે દોરીસંચાર બની ઉમેદવારો પસંદ કરાવી શકે છે.