વડોદરા, તા.૧૮  

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની વિવિધ ટીમો દ્વારા બુલડોઝર, જેસીબી અને અન્ય સાધનો તથા દબાણ ટુકડીની સહાય વડે શહેરમાં એક જ દિવસમાં ત્રણ ત્રણ સ્થળોએ ગેરકાયદેસર દબાણ સામે સપાટો બોલાવવામાં આવ્યો છે. જેમાં શહેરના કિશનવાડી, ઈલોરા પાર્ક અને ભાયલીમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. આ દબાણોમાં કિશનવાડીમાં તો પાલિકાએ અનામત રાખેલા પ્લોટમાં નંદ ઘરની બાજુમાં રિઝર્વેશનના પ્લોટમાં દુકાનો અને મકાન ઉભા કરતા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જેને લઈને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઈલોરાપાર્કમાં પણ એક કોમર્ષયલ કોમ્પ્લેક્ષમાં દુકાન પાસે કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર દબાણ ખાતાનો હથોડો ઝીકીને એને દૂર કરવામાં આવ્યું હતું. જ્યારે ભાયકલીમાં પણ મુખ્ય માર્ગ પર આવેલ ખાલી પ્લોટ પર દબાણ થયાની માહિતી મળતા પાલિકાની દબાણ શાખાની ટુકડી દ્વારા એને દૂર કરવામાં આવ્યું હતું. જેને લઈને એકજ દિવસમાં પાલિકાની દબાણ શાખાની ટિમ દ્વારા ત્રણ ત્રણ જગ્યાઓએ દબાણો દૂર કરતા ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે. પાલિકાની દબાણ શાખાના વાળા ડો.મંગેશ જયસ્વાલની આગેવાની હેઠળ પાલિકાની દબાણ શાખાની ટુકડીઓએ શહેરના કિશનવાડી વિસ્તારમાં વોર્ડ નંબર ૯ ની કચેરી અને નંદ ઘર પાસે આવેલ ટીપી પાંચના ફાયનલ પ્લોટ નંબર ૭૪૭ વાળા શિબિર સેન્ટરની જગ્યાના પાલિકાના રિઝર્વેશન પ્લોટમાં ત્રણ ઝુંપડા, સંડાસ, બાથરૂમ, ટેબ્લો, પસ્તી, સ્ક્રેપની દુકાન સહિતનું દબાણ ઉભું કરી દેવામાં આવ્યું હતું. જેને જેસીબીની મદદથી જમીન દોસ્ત કરી દેવાયું છે. તેમજ આ રીઝર્વશનના પ્લોટને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. આજ પ્રમાણે શહેરના ઈલોરા પાર્ક આત્મ જ્યોતિ આશ્રમવાળા માર્ગ પર વીઆઈપી શોપિંગ સેન્ટરની ચાર નંબરની દુકાનના મલિક દ્વારા વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના નવ વિકસિત ભાયલી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલ ભાયલી ચાર રસ્તા એસ્સાર પેટ્રોલ પમ્પની બાજુમાં વધારાનું દબાણ ખુલ્લી જગ્યામાં કરવામાં આવ્યું હતું. જેને દૂર કરવામાં આવ્યું છે. આમ એકજ દિવસમાં ત્રણ ત્રણ સ્થળોએ કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરાયા છે.