સુરત,  ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડિયા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી સહિતના હોદ્દેદારો, ગુજરાતની અન્ય રીજીયોનલ ચેમ્બરો તથા એસોસીએશનોના પ્રતિનિધિઓ સાથે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિનિધિ મંડળે ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા સાથે કરેલી મિટીંગમાં જી.પી.સી.બી.ના ચેરમેન શ્રી સંજીવકુમાર, ઉદ્યોગ કમિશ્નર ડૉ. રાહુલ ગુપ્તા, જી.આઈ.ડી.સી.ના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી એમ. થેન્નારાસન, એમ.એસ.એમ.ઈ. કમિશ્નર રણજીતકુમાર જે., સભ્ય સચિવ જી.પી.સી.બી. એ. પી. શાહ અને ઇન્ડેક્સ-બી ના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી નિલમ રાની ઉપસ્થિત રહ્યા હતા. આ મિટીંગમાં પર્યાવરણ, જી.પી.સી.બી. તેમજ ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને લગતા મુદ્દાઓની લગભગ ત્રણ કલાક સુધી મેરેથોન ચર્ચા કરવામાં આવી હતી. મરીન ડીપ-સી ડિસ્ચાર્જના ધોરણો, કોમન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે જમીનની ઉપલબ્ધતા, જી.આઈ.ડી.સી. અંતર્ગત હઝાર્ડસ વેસ્ટ ડીસ્પોઝલ માટેની સુવિધાઓ સ્થાપવા અંગે, અકસ્માતના કિસ્સાઓમાં કરવામાં આવતી કાનૂની કાર્યવાહી, આર્ત્મનિભર પોલીસી ૨૦૨૩ સુધી લંબાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જી.આઈ.ડી.સી.ને લગતા મુદ્દાઓમાં માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં થયેલ વિલંબના કારણે ફાળવણીની તારીખમાં ફેરબદલ કરવા અંગે, ટ્રાન્સફર ફી ઘટાડવા અંગે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના રીફંડ તેમજ જી.આઈ.ડી.સી.માં સુવિધાઓ સ્થાપવા માટે મોરેટોરીયમ પીરિયડ લંબાવવા વિગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ડૉ. રાજીવકુમાર ગુપ્તા દ્વારા ઉદ્યોગોના પ્રતિનિધિઓને ખૂબ સકારાત્મક રીતે સાંભળી ટૂંક સમયગાળામાં આ પ્રશ્નોના નિરાકરણ માટેની ખાતરી આપવામાં આવી હતી.વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરૂણકુમાર સોલંકી સાથેની મિટીંગમાં જી.પી.સી.બી.ને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ મમતા વર્મા સાથેની મિટીંગમાં ઉર્જા સંબંધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. એક મેગાવોટથી વધુના રૂફ્ટોપ પર નેટ મીટરીંગને મંજૂરી નહિ આપવા અંગેના મુદ્દાની ચર્ચા થઇ હતી. અને માત્ર ગુજરાતમાં જ આવો પ્રતિબંધ હોવાથી તેને દૂર કરવો જાેઈએ તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. આ પ્રતિબંધ સોલાર રૂફ્ટોપ પ્રોજેક્ટ સ્થાપવા માટે અવરોધરૂપ છે તેવી રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં, અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગનું કામ પી.પી.પી. ધોરણે હાથ ધરવા અંગે વિનંતી કરવામાં આવી હતી અને આ કામ માટે ઉદ્યોગો ખર્ચનો ૨૦% ફાળો આપવાની તૈયારી ધરાવે છે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ગુજરાત સોલાર પોલીસી ૨૦૨૧ને લગતા સૂચનો પણ આ મિટીંગમાં રજૂ કરવામાં આવ્યા હતા.શ્રમ અને રોજગાર વિભાગના સચિવ એચ. એમ. પટેલ સાથેની મુલાકાતમાં ફાયર અને ઔદ્યોગિક સલામતી માટેના ઉપકરણોના ડી.આઈ.એસ.એચ. સર્ટીફીકેશનના આગ્રહ અંગેના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ ફાયર એન્ડ સેફટી સર્ટીફીકેશન ધરાવતા ફાયર સેફટી ઉપકરણો વાપરવા મંજૂરી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આવા ઉપકરણો માટે કોઈ પણ આઈ.એસ.આઈ. માર્કવાળા ઉપકરણ વાપરી શકાય તેવી મંજૂરી આપવા સૂચન કરવામાં આવ્યું હતું. ફાયર લાયસન્સ અને ફાયર એન.ઓ.સી. અંગેના મુદ્દાઓની પણ ચર્ચા મિટીંગ દરમ્યાન કરવામાં આવી હતી.