અમદાવાદ

ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાંથી ગુજરાતનું મેગાસીટી અમદાવાદ પણ બાકાત નથી. ત્યારે અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડની બે મેચમાં હજારોની સંખ્યામાં દર્શકો ઉમટયાં હતા. અને, વધતા કોરોના કેસોને પગલે GCA દ્વારા બાકી રહેલી 3 મેચમાં દર્શકોના આવવા પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની છેલ્લી ટી-ટવેન્ટી મેચમાં ગુજરાત ક્રિકેટ બોર્ડ અને ગુજરાત પોલીસની મોટી બેદરકારી છતી થઇ છે.

દર્શકોના પ્રવેશબંધીને લઇને સ્ટેડિયમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ત્યારે પોલીસના ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત અને GCAની સિક્યુરિટી હોવા છતાં બે સટ્ટોડિયા મેચ દરમિયાન ઘુસી ગયા. હરિયાણાના બે સટ્ટોડીયાઓ એક ખાનગી કંપનીના મજૂરો બની સ્ટેડિયમમાં પ્રવેશ કર્યો હતો. અને, T 20 મેચ દરમિયાન મોબાઈલ પર સટ્ટો રમ્યા હતા. આ મામલે ચાંદખેડા પોલીસે તપાસ કરતાં બંનેની જુગારની કલમ હેઠળ ધરપકડ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સપ્લાયર કંપનીના મજૂર બનીને બંનેએ સ્ટેડિયમના પાસ મેળવ્યા હતા. અને સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. હાલ બંનેની ધરપકડ કરવામાં આવી છે.

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી ત્રણ મેચમાં કોરોનાના કારણે દર્શકોને પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, સ્ટેડિયમમાં ખેલાડીઓ અને સ્ટેડિયમની સુરક્ષાને ધ્યાન લઇને થ્રી-લેયર સિકયોરિટી ગોઠવવામાં આવી હતી. GCAની સિક્યોરિટી અને પોલીસના ચેકિંગ વગર સ્ટેડિયમમાં કોઈપણ દર્શકો કે વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો ન હતો. ત્યારે છેલ્લી T-20 મેચમાં સ્ટેડિયમમાં સપ્લાયરના કોન્ટ્રાક્ટના બે શખ્સ મજૂર બની આવ્યા હતા. અને, તેના આધારે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી અને મોબાઇલમાં ઓનલાઇન સટ્ટો રમવા લાગ્યા હતા. પિલ્લર નંબર 120-121 પાસે થોડા-થોડા અંતરે બંને મજૂરોએ બેસીને અને અલગ-અલગ વેબસાઈટ પર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતાં હતા.

બંને બેઠા હતા તે દરમ્યાનમાં એક વ્યક્તિને શંકા જતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેને પૂછતાં તેઓનું નામ પ્રિન્સ ગંભીર કે જેની ઉંમર 21 વર્ષ અને રહેવાસી પાનીપત-હરિયાણા અને આશિષ યાદવ, ઉંમર વર્ષ 26, રહેવાસી- રેવડી, હરિયાણાના હોવાનું જણાવ્યું હતું. તેમની પાસેથી બે મોબાઈલ ફોન પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો મુજબ બંને હરિયાણાના રહેવાસી છે. સ્ટેડિયમમાં એક સપ્લાયરનો જે કોન્ટ્રાક્ટરના મજૂરો પાસેથી બંનેએ પાસ મેળવી લીધાં હતાં. અને તેઓ પાસ લઈ મજૂર બની સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાંથી તેઓ બેસી મેચ જોવા બેસી સટ્ટો રમતાં હતા.