આણંદ : ભારતીય લોકશાહીની પરંપરા અને બંધારણ મુજબ સ્વરાજ્ય શાસન રૂપી પંચાયતી રાજની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. આણંદ જિલ્લામાં પંચાયતીરાજની ચૂંટણી બાબતે કાર્યક્રમ જાહેર થતાં જ જિલ્લા અને તાલુકાની બેઠકો પર ઉમેદવારી કરવા માટેનો ઊભરો શરૂ થઈ ચૂક્યો છે. દૂધનગરીમાં મુરતીયાઓ દોણી સાથે દોટ મૂકી છે! 

આણંદ જિલ્લામાં પંચાયતી રાજની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ચૂંંટણી પ્રક્રિયા શરૂ થઈ જ જશે. જાેકે, એ પૂર્વ દરેક દરેક બેઠક વિસ્તારોમાં ચૂંટણીલક્ષી માહોલ છવાઈ ગયો છે. મતદારો પોતાનો મૂલ્યવાન મત આપીને કોની તરફેણમાં ચુકાદો આપશે, તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. પ્રવર્તમાન સંજાેગોમાં એ મુદ્દો વધુ ચર્ચાઈ રહ્યો છે કે, આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં મતદારોનંુ ઘમ્મર વલોણું કોના માટે મલાઈ ફાળવશે અને કોના ફાળે ખટાશ આપશે?

આણંદ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં મતદારોનંુ માનસ પારખવું ખુબ જ કઠીન છે. છેલ્લાં બે સત્ર દરમિયાન સતત કોંગ્રેસના ઉમેદવાર જ બહુમતી સાથે જિલ્લા પંચાયતનું શાસન હસ્તગત કરી રહ્યાં છે, જ્યારે ભાજપના મર્યાદિત સભ્યો જ ચૂંટાઈ આવ્યા હોવાથી છેલ્લાં દસ વર્ષથી ભાજપના સભ્યો માત્ર વિપક્ષ તરીકે જ ભૂમિકા ભજવી રહ્યાં છે.

રાજ્યમાં ભાજપનું શાસન હોવા છતાં પણ આણંદ જિલ્લામાં કોંગ્રેસનું પ્રભાવશાળી પ્રભુત્વ રહ્યું છે. છેલ્લાં દસ વર્ષ દરમિયાન કેટલાંક અપવાદ રૂપ વિસ્તારોમાં ભાજપ પોતાનું વર્ચસ્વ જમાવી શક્યું છે. જિલ્લા પંચાયતનું શાસન હસ્તગત કરવામાં એક દાયકો નીકળી ગયો, પણ ભાજપ ફાવ્યો નથી. વર્તમાન પરિસ્થિતિમાં ભાજપના નવા હોદ્દેદારોની ફોજ અને કાર્યકરો પંચાયતી રાજની ચૂંટણી મામલે વધુ જૂસ્સા સાથે સક્રીય બન્યાં છે, જેથી આગામી ચૂંટણી કોંગ્રેસ માટે ભારે પડકાર રૂપ બનશે તે નિશ્ચિત છે.

આણંદ જિલ્લામાં સત્તા ભોગવી રહેલાં કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતાઓ અને કાર્યકરોને પણ સ્થાનિક સત્તા જાળવી રાખવા માટે કપરી મહેનત કરવી પડશે, જેથી ભાજપના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પર વિશેષ મનોમંથન કોંગ્રેસને કરવું પડશે. જાેકે, રાજકીય સોગઠાંબાજી કરવામાં આણંદ જિલ્લામાં કોંગ્રેસ જ માહિર ગણાય છે, જેથી કોંગ્રેસ પોતાની વ્યૂહ રચના ખુબ જ ગુપ્ત રાખીને ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે મહત્તમ બેઠકો હસ્તગત કરવાની વેતરણમાં છે. આણંદ જિલ્લાના રાજકારણમાં હંમેશા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં કોંગ્રેસનો હાથ ઉપર જ રહ્યો છે, પરંતુ આવનાર સમયમાં ફરી એકવાર મતદારો પર મદાર રહેવાનો છે. આણંદ જિલ્લા પંચાયતનું શાસન કોંગ્રેસ જાળવી રાખશે કે ભાજપ દસ વર્ષ બાદ પુનઃ સ્થાપિત કરશે?

મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂરજાેશમાં શરૂ કરી દીધી છે. ચૂંટણીમાં ઝંપલાવવા ઈચ્છા રાખતાં તમામ પોતાના પક્ષના નેતાઓ સાથે તાલમેલ કરવા માટે સક્રિય થયાં છે. રાજકીય પક્ષોના મોવડી મંડળ પણ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા મામલે વિવિધ પરિબળો અને વર્તમાન ચહલપહલને વિશેષ ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં પોતાના પક્ષના ઉમેદવારો જ વિજયી બની બહુમતી પ્રાપ્ત કરે તેવી ખેવના રાખી રહ્યાં છે.