ગાંધીનગર-

ગુજરાતમાં ર૦૧૯-ર૦ના વર્ષમાં ૪.૪૬ લાખ હેકટરમાં ફળ પાક વાવેતર અને ૯ર.૬૧ લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે દેશના ફળ-શાકભાજીના કુલ ઉત્પાદનમાં ૯.ર૦ ટકા જેટલું મહત્વનું પ્રદાન કરેલું છે. મુખ્યમંત્રી એ ઉમેર્યુ કે, ગુજરાતમાં કુલ પાકોના વાવેતરમાં ઉત્તરોત્તર અંદાજે ર૦ હજાર હેકટર જેટલો વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો દાડમ, જામફળ, ખારેક, પપૈયા જેવા પાકના હબ તરીકે ઉભરી આવ્યા છે. રાજ્ય સરકારની કૃષિ ટેકનોલોજીને પ્રોત્સાહન, સિંચાઇ સુવિધા અને ખેડૂત હિતકારી નીતિઓના પરિણામે સૂકા, અર્ધસુકા કે ખારાશ ધરાવતા વિસ્તારો પણ કૃષિ ઉત્પાદનની હરિયાળીથી લહેરાતા થયા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ કરીને રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પિયત પાણી આપવાની યોજનાની સફળતાને પરિણામે આ વિસ્તારોની બિન ઉપજાઉ જમીનોને પણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ફળ-ઝાડની વાડીમાં પરિવર્તીત કરવામાં આવી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, હવે રાજ્ય સરકારે આ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર પડતર સરકારી જમીનોમાં પણ અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી બાગાયતી ઔષધિય પાક સમૃદ્ધિ દ્વારા નવઘડતર અને ખેડૂતોની આવક બમણી કરવા, રોજગારસર્જન વધારવા આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની પહેલ કરી છે.

 રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીન આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે લીઝ ઉપર અપાશે

 કૃષિ-બાગાયતી પાકોના ઉત્પાદન અને આવક વધારી રોજગારીની નવી તકો ઉભી કરાશે

 એકસપોર્ટ ઓરિએન્ટેડ અને પ્રોસેસિંગ કલસ્ટર ઊભા કરી કાપણી પછીની વ્યવસ્થાપન-વેલ્યુચેઇન-પ્રોસેસિંગ ઊદ્યોગો વિકસાવાશે

 બીનઉપજાઉ સરકારી પડતર જમીનોમાંથી ફાળવવા યુકત જમીનના બ્લોકની ઓળખ જિલ્લા કક્ષાએ કલેકટર ની અધ્યક્ષતાની સમિતિ કરશે

 લીઝ માટેની અરજીઓની સ્કૂટિની અને ચકાસણી રાજ્યકક્ષાની ટેકનીકલ કમિટી કરશે

યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ-સુરેન્દ્રનગર-પાટણ-સાબરકાંઠા-બનાસકાંઠા પાંચ જિલ્લાનો સમાવેશ 

  જમીનના રૂપાંતરિત વેરામાંથી મુક્તિ અપાશે 

 ૬ વર્ષથી ૩૦ વર્ષ સુધી પ્રતિ એકર પ્રતિવર્ષ રૂ. ૧૦૦થી રૂ. પ૦૦નું ભાડુ લેવાશે

 કૃષિવિષયક વીજજોડાણમાં પ્રાયોરિટી મળશે

 લીઝ ધારક પોતાના સ્વ વપરાશ માટે જ સોલાર પેનલ-વીન્ડ મીલ લગાવી ઊર્જા ઉત્પાદન કરી શકશે પરંતુ વેચી નહિ શકે

 લીઝ મુદત પૂરી થતા પહેલા જમીન પરત કરવાના કિસ્સામાં સરકાર દ્વારા કોઇ જ વળતર મળવાપાત્ર નહિ રહે

 જમીન ફાળવણીનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી ના અધ્યક્ષસ્થાને હાઇપાવર કમિટી કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મિશનની જાહેરાત કરતાં વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં સુકા અને અર્ધસુકા તેમજ દરિયાકાંઠાના ખારાશવાળા વિસ્તારોને કારણે કૃષિ વિકાસ પડકાર રૂપ છે. આમ છતાં આફતને અવસરમાં પલટાવવાની આગવી ક્ષમતા સાથે સરકારે કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્ડકાર્ડ, જળસંચય અભિયાન, ડ્રીપઇરીગેશન, સાત પગલાં ખેડૂત કલ્યાણના, કિસાન સૂર્યોદય યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના જેવા આયામોથી ગુજરાતને કૃષિ વિકાસ દરમાં દેશભરમાં અગ્રેસર રાખ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યની ૧૯૬ લાખ હેકટર જમીન પૈકીની પ૦ ટકા એટલે કે ૯૮ લાખ હેકટર જમીન ખેતી હેઠળ આવેલ છે તેમજ પડતર અને બિન ઉપજાઉ જમીનોમાં બાગાયતી અને ઔષધિય પાકોના વાવેતરની વિપૂલ સંભાવનાઓ છે.