અમદાવાદ-

કોરોનાનાં કહેરનાં કારણે અને કાળમુખનાં કહેર વચ્ચે હાલ ગુજરાત માટે ચૂંટણી પંચ દ્વારા 6 મ્યુનિસિપલ કોર્પોરેશન, 55 નગર પાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતોની ચૂંટણીએ 3 મહિના પાછી ઠેલવવામાં આવી. પરંતુ આગામી સમયમાં એટલે કે ત્રણ મહિના પછી આ તમામ સામાન્ય ચૂંટણીનું આયોજન ફરી જાહેર કરવામાં આવે ત્યારે એટલે કે, આગામી ફેબ્રુઆરી- 2021 પછી ગુજરાતમાં એક સાથે 7 મ્યુ. કોર્પોરેશન અને 82 નગર પાલિકાઓમાં એક સાથે ચૂંટણી યોજાશે એ નક્કી છે !

વર્ષ 2021ના ફેબ્રુઆરીમાં ગાંધીનગર મ્યુ. કોર્પોરેશન અને 27 જેટલી નગર પાલિકાની મુદ્દત પૂર્ણ થાય છે. આથી, નવા સીમાંકન સાથે ગાંધીનગર કોર્પોરેશન અને નવેસરથી વોર્ડ રચના, રોટેશન સાથે 27 નગર પાલિકાઓની ચૂંટણી પણ હાલમાં ત્રણ મહિના માટે સ્થગિત રહેલી ચૂંટણીઓ સાથે જ વર્ષ 2021માં ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે યોજાશે તે સ્પષ્ટ થઈ ગયુ છે.

રાજ્ય ચૂંટણી આયોગમાંથી મળતી વિગતો મુજબ હાલમાં જ્યાં ચૂંટણી યોજાવાની હતી તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 1લી જાન્યુઆરી- 2020ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરનારા અને ભારતના મુખ્ય ચૂંટણી પંચે 26 જાન્યુઆરી 2020ના રોજ જાહેર કરેલી મતદાર યાદીને આધિન હતી.

કોરોના કહેરને કારણે 18મી માર્ચથી તેમાં નવા મતદારો ઉમેરવા કે મૃત્યુ પામેલાના નામે રદ કરવાથી લઈને સ્થળાંતરીત મતદારોમાં ફેરફાર કરવામાં આવ્યો નહતો. આથી, હવે જ્યારે ફેબ્રુઆરી- 2021 પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી જાહેર થશે ત્યારે 1લી જાન્યુઆરી- 2021ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા નાગરીકોની પણ મતદાર તરીકે નોંધણી થઈ શકશે. 

જાન્યુઆરી- 2021માં નવી મતદાર યાદી આવતા રાજ્ય ચૂંટણી આયોગે વિતેલા ત્રણ સપ્તાહમાં જાહેર કરેલી પાલિકા- પંચાયતોમાં વોર્ડ, બેઠક મુજબની મતદાર યાદી, તેના આખરી આદેશો પણ આપોઆપ નિરસ્ત થઈ જશે. આ પ્રક્રિયા ફેબ્રુઆરી- 2021માં નવેસરથી શરૂ કરવામાં આવશે.