નડિયાદ : ગુજરાતમાં કોરોનાના ઘટતાં જતાં સંક્રમણ વચ્ચે બે સપ્તાહમાં હેલ્થ વર્કર્સને રોગ પ્રતિકારક શક્તિ વધારતી રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. ત્યારે ફ્રન્ટલાઈન વોરિયર્સના બીજી હરોળના કર્મચારીઓ અને અધિકારીઓને રસી આપવાનો શુભારંભ ગઈકાલે નડિયાદ એન.ડી.દેસાઈ મેડિકલ કોલેજ ખાતે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ અને જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રએ પોતે રસી લઇ કરાવ્યો હતો.

રવિવારથી ખેડા જિલ્લામાં એક સાથે ગૃહ વિભાગના પોલીસ, હોમગાર્ડ, એસઆરપી જવાનો, શહેરી વિકાસ, મહેસૂલ, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટના મળી આશરે ૨૫૦૦ જેટલાં અધિકારીઓ અને કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. 

જિલ્લામાં અત્યાર સુધી ૧૦,૦૦૦  ફ્રન્ટલાઇન વોરિયર્સને રસી આપવામાં આવી છે. ત્યારે આજે તા.૧ ફેબ્રુઆરીના રોજ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રમેશ મેરજાએ એન.ડી.દેસાઈ મેડિકલ કોલેજ ખાતે કોરોનાની રસી લીધી હતી. આ ઉપરાંત જિલ્લામાં અન્ય સ્થળોએ રેવન્યૂ, પોલીસ વગેરે વિભાગના ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી મૂકાવવાનું કામ ચાલું છે. રસી મૂકાવવાથી કોઈ આડઅસર થતી નથી, લોકો સમયસર રસી મૂકાવે તેવી રમેશ મેરજાએ અપીલ કરી હતી.