રાજપીપળા,  નર્મદા જિલ્લા એલસીબીએ મોડી રાત્રે હાઇવે પરથી રીફલેક્ટર લગાવવાના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવતી ટોળકી ઝડપી પાડી છે.હરિયાણાની એ ટોળકીના ૬ લોકોને તિલકવાડા પોલિસને હવાલે કરાયા છે, એમણે અગાઉ આ કૃત્ય કઈ કઈ જગ્યાએ કર્યું હતું એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. 

આ કેસ અંગે વધુ પ્રાપ્ત માહિતી અનુસાર ૩૧ મી ડિસેમ્બરને લઈને નર્મદા વિદેશી દારૂની ઘૂસણખોરી અટકાવવા રાત્રી પેટ્રોલિંગ કરી રહી હતી, દરમિયાન તિલકવાડા તાલુકાના બૂંજેઠા ગામ નજીક હાઇવે પર કેટલાક લોકો આવતી જતી ગાડીઓ પર રીફલેક્ટર લગાવી લોકો પાસેથી ૨૦૦ રૂપિયા ઉઘરાવી રહ્યા હતા.મોડી રાત્રે થતી આ કામગીરીને લીધે.પીઆઈ એ.એમ.પટેલને એમની પર ડાઉટ જતા એમણે પૂછતાછ કરી હતી.એમની પાસે એમની સંસ્થાનું આઈ કાર્ડ અને રીફલેક્ટર લગાવવા માટેની મંજૂરીના દસ્તાવેજ માંગતા એમની પાસેથી એ મળી આવ્યા ન્હોતા.તપાસમાં એ લોકો ગેરકાયદેસર રૂપિયા ઉઘરાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. નર્મદા એલસીબીએ ગેરકાયદેસર રૂપિયા ઉઘરાવતા હરિયાણાના સુભાસ વિરસિંગ ગોડ, ગુરદીપસિંહ રામ કુમાર, નરેન્દ્ર પૂર્ણસિંહ બદોલા, પવનકુમાર દિલબાગસિંહ જાટ્ટ, અમિત કુમાર રામનિવાસ જાટ્ટ તથા રમેશ કુમાર રામલુભાયાને ૧૬૦૦૦ ના મુદ્દામાલ અને અન્ય દસ્તાવેજ સાથે ઝડપી પાડી તિલકવાડા પોલિસને હવાલે કર્યા હતા. આરોપીઓએ અગાઉ આ કૃત્ય કઈ કઈ જગ્યાએ કર્યું હતું એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે.