રાજકોટ,છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગન કલ્ચરમાં વધારો થયો હોવાના આંકડા સતત સામે આવી રહ્યા છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક વખત ગેરકાયદેસર પિસ્તોલ તથા કારતૂસ સાથે રઘુભાઈ ધારાભાઈ મુંધવા નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ જ્યારે પૂછપરછ કરી ત્યારે આરોપીએ બિન્દાસ જણાવ્યું હતું કે, હથિયાર રાખવાનો શોખ હોવાને કારણે તેણે પોતાની પાસે પિસ્તોલ રાખી છે. પોલીસે આ મામલે આરોપીને પૂછપરછ શરૂ કરી છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની માહિતી પણ પોલીસ તપાસમાં ખુલવા પામી છે. સમગ્ર બનાવ અંગે વાતચીતમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એમવી રબારીએ જણાવ્યું હતું કે, મારી ટીમને બાતમી મળી હતી કે, રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટ પાસે આવેલ મારુતિનગર મુખ્ય રસ્તા પાસે રઘુભાઈ નામનો શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે આંટાફેરા મારી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ઝડતી કરતા દેશી બનાવટની પિસ્તોલ તેમજ બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરતા આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીનો ગુનાહિત ઈતિહાસ ચેક કરતાં આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં ૨૦૧૬, ૨૦૧૮, ૨૦૧૯ના વર્ષમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ચોટીલા પોલીસ સ્ટેશન તેમજ જામનગર ખાતે ઝડપાયો છે. તેમજ ચાલુ વર્ષે જાહેરનામા ભંગનો કેસ પણ આરોપી વિરુદ્ધ નોંધાયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવતા આરોપીએ હથિયાર રાખવાનો પોતાને શોખ હોવાથી તેણે ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર રાખ્યું હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાંચ દ્વારા હવે આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે તેમજ આખરે તેને કેટલા સમયથી આ ગેરકાયદેસર હથિયાર પોતાની પાસે રાખ્યું હતું?