રાજપીપળા, રાજપીપળા પાલિકામાં વોર્ડ ૩ માં ભાજપની પેનલના જ ત્રણ ઉમેદવારોએ પોતાના પુત્રને હરાવવા ગંદુ રાજકારણ રમ્યુ હોવાનો આક્ષેપ પિતાએ લગાવતા ખળભળાટ મચ્યો છે. રાજપીપળા પાલિકામાં વોર્ડ ૪ અને વોર્ડ ૬માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે જ્યારે વોર્ડ ૧ માં એક ઉમેદવારનો, તો વોર્ડ ૩માં ત્રણ ઉમેદવારો અને વોર્ડ ૫ અને ૭ માં ભાજપના ૨ ઉમેદવારો વિજયી બન્યા છે.નર્મદા જિલ્લા ભાજપના પીઢ નેતા અને એક સમયે વિધાનસભાની ટિકિટના દાવેદાર એવા સુરેશ વસાવાના પુત્ર મયુર વસાવાને ભાજપે રાજપીપળા નગરપાલિકા વોર્ડ ૩ માટે ઉમેદવાર જાહેર કર્યા હતા.ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ વોર્ડ ૩ માં મયુર વસાવા સિવાય બાકીના ૩ ઉમેદવારોનો જંગી બહુમતીથી વિજય થયો. સુરેશ વસાવાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે મારા જ પુત્રને હરાવવા ભાજપની પેનલના જ ત્રણ ઉમેદવારોએ ભાગ ભજવ્યો છે.એમણે વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ ૩ માં ૩ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો જ્યારે આદિવાસી બેઠક પર મારા પુત્ર મયુર વસાવાનો ૧૪૮ મતે પરાજય થયો છે.