રાજકોટ-

સૌરાષ્ટ્રમાં સવારે 7.41 વાગ્યાની આસપાસ લગભગ 3 થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના ડરથી લોકો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 22 કિલોમીટર દૂર નોંધાયું હતું. રાજકોટ સહીત આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપનો ભારે અનુભવ થયો હતો. ભૂકંપથી ખાસ કોઈ મોટી નુકસાનીના સમાચાર સામે નથી આવ્યા. જોકે, અનેક મકાનોમાં તિરાડો જોવા મળી હતી તો ગોંડલના કોલીથડ ગામમાં એક સ્કૂલની છત ધરાશાયી થઇ હતી.

સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજી હતી, ત્યારે ગોંડલનાં કોલીથડમાં હાઈસ્કૂલની છત ધરાશાયી થઈ હતી. જો કે, આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. સદનસીબે સ્કૂલ બંધ હોવાથી જાનહાની થઈ નથી. ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે શાળાનો સ્ટાફ સ્કૂલમાં હાજર હતો. કોરોનાની મહામારી ચાલી રહી છે એટલે સ્કૂલમાં શિક્ષણકર્યા બંધ હોવાથી વિદ્યાર્થીઓ ન હતા. શાળામાં શિક્ષકો અને પ્રિન્સિપાલને ભૂકંપની ખબર પડતા તેઓ તાત્કાલિક બિલ્ડિંગ બહાર દોડી ગયા હતા.