વડોદરા : વડોદરા શહેરમાં રોજેરોજ પડતા ખાડાઓ અને ભૂવાઓ અટકવાનું નામ લઇ રહયા નથી. જેને લઈને શહેરમાં ચોતરફ ભૂવાઓ અને ખાડાઓનું રાજ યથાવત રહેવા પામ્યું છે. રોજે રોજ નવા નવા વિસ્તારો અને નવી નવી જગ્યાઓ ઉપર ખાડાઓ અને ભૂવાઓ પડતા જાય છે.તેમ છતાં વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રા માણી રહ્યું છે.

શહેરીજનો દ્વારા આ બાબતે અવારનવાર વ્યાપક પ્રમાણમાં ફરિયાદો કરવા છતાં પણ પાલિકાના જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ કે કચેરીઓ દ્વારા કોઈપણ પ્રકારની ઠોસ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.જેને લઈને નાગરિકો આવા ભૂવાઓ અને ખાડાઓના ત્રાસને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્‌યાં છે.પરંતુ તેઓની પીડાઓની નઠોર તંત્રને કોઈપણ પ્રકારની પડી ન હોય એવી લાગણી શહેરીજનો અનુભવી રહયા છે. શહેરનો એકપણ માર્ગ એવો નહિ હોય કે જ્યાં ખાડાઓ અને ભૂવાઓ ન હોય.શુક્રવારના રોજ આવા વધુ ભૂવાઓ અને ખાડાઓ શહેરના ન્યાયમંદિર અને નવલખી ખાતે પડ્યા હતા.આ સ્થિતિને લઈને શહેરીજનો નગરના એકપણ માર્ગ પરથી આખો મીંચીને નિશ્ચિન્ત થઈને પસાર થઇ શકતા નથી.બલ્કે પળે પળે માથે ભભુમતા મોતને લઈને જતા હોય એવી લાગણી અનુભવી રહ્યા છે. આને લઈને એવી સ્થિતિ સર્જાવા પામી છે કે સવારે નીકળેલ નાગરિક સલામત રીતે ઘરે પરત ફરશે કે કેમ એની ચિંતાઓ સતત એના પરિવારને સતાવતી હોય છે.પાલિકા દ્વારા જે ઇજારદારોને કામ આપવામાં આવે છે.એવા ઇજારદારો પોતાની કામગીરી પૂર્ણ કર્યા પછીથી યોગ્ય રીતે અને ધારાધોરણ મુજબ પુરાણ કરે છે કે નહિ એનું અધિકારીઓ દ્વારા યોગ્ય નિરીક્ષણ કરવામાં આવે એમ પેટે પાટા બાંધીને પણ વેરો ભરનાર સામાન્ય નાગરિકો ઇચછિ રહ્યા છે.