દિલ્હી-

દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસ ઓછા થઇ ગયા છે. બીજી લહેરે દેશને ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ, જો કે હવે દૈનિક કેસોમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આપને જણાવી દઇએ કે, ભારતમાં કોરોનાની બીજી લહેરની અસર ઓછી ભલે થઇ ગઈ હોય, પરંતુ ત્રીજી લહેરનો ખતરો આજે પણ યથાવત છે.

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાનાં 38,353 કેસ નોંધાયા છે. રિકવરી રેટ પણ વધીને 97.45 ટકા થયો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં હાલમાં કોરોનાનાં 3,46,351 સક્રિય કેસ છે, જે 140 દિવસમાં સૌથી ઓછા સક્રિય કેસ છે. દેશમાં કોરોનાનાં કુલ 3,12,20,981 કેસ છે. છેલ્લા 24 કલાકમાં 40,013 કોરોનાથી ઠીક થયા છે. દેશનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ હાલમાં 5 ટકાથી નીચે છે. દેશનો વર્તમાન પોઝિટિવિટી રેટ 2.34% છે. જોકે છેલ્લા 16 દિવસથી દૈનિક પોઝિટિવિટી રેટ 3 ટકાથી નીચે રહ્યો છે, તે હાલમાં 2.16% છે. કોરોનાનાં ટેસ્ટિંગની વાત કરીએ તો, દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 48.50 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં રસીકરણની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે, જેમાં 11 કરોડ લોકોએ બંને ડોઝ લીધા છે. દેશની 8.3 ટકા વસ્તીમાં કોરોનાની રસી આપવામાં આવી છે.