મુંબઇ

દર વર્ષે 31મી ડિસેમ્બરે અલગ-અલગ જગ્યાએ પાર્ટીનું આયોજન થતું હોય છે. પરંતુ આ વખતે છેલ્લા કેટલાક મહિનાથી જીવલેણ કોરોના વાયરસ આપણી વચ્ચે હોવાથી સરકારે કોઈ પણ પ્રકારની ભીડ એકઠી ન થવા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ કરે છે. મહામારીને ધ્યાનમાં રાખીને આ વખતે ક્લબોમાં કે સેલેબ્સને ત્યાં પણ પાર્ટી નહોતી રાખવામાં આવી. જો કે, ગોવામાં લોકોએ ખૂબ જલસા કર્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, પ્લેબેક સિંગર ટોની કક્કડે ત્યાં લાઈવ કોન્સર્ટ યોજ્યો હતો. જેમાં આશરે 5000 લોકો ભેગા થયા હતા. જેમાંથી મોટાભાગના માસ્ક વગર અને એકબીજાને અડી-અડીને ઉભેલા જોવા મળ્યા હતા.


ટોની કક્કડે ઈન્સ્ટાગ્રામમાં પોતાના લાઈવ કોન્સર્ટનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, તે નવા વર્ષનું કાઉન્ડ ડાઉન કરી રહ્યો છે અને જ્યારે 12ના ટકોરા પડે છે ત્યારે તે મોટેથી 'હેપી ન્યૂ યર' કહે છે અને ત્યાં હાજર રહેલા લોકો પણ મોટેથી ચીચીયારીઓ પાડે છે. આ સાથે આતશબાજી થવા લાગે છે.

ટોની કક્કડના કોન્સર્ટમાં તેની બહેન અને જીજુ એટલે કે નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. નેહાને જોઈને લોકો ક્રેઝી થયા હતા અને તેમની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને તેણે પણ કેટલાક સોન્ગ ગાયા હતા. તો રોહનપ્રીતે પણ સાથ પૂરાવ્યો હતો. જો કે, આ દરમિયાન સ્ટેજ પર હાજર એક પણ વ્યક્તિએ માસ્ક નહોતું પહેર્યું.

ભાઈના કોન્સર્ટ માટે નેહા અને તેનો પતિ ગુરુવારે બપોરે જ ગોવા પહોંચી ગયા હતા. આ દરમિયાન તેઓ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. તે સમયે તેના ફેન્સને લાગ્યું હતું કે, બંને ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે ક્યાંક જઈ રહ્યા હશે. પરંતુ હકીકતમાં તેઓ કોન્સર્ટ માટે ગોવા ગયા હતા.