કોલંબો

ધનંજાય ડી સિલ્વા (40*) અને મીનોદ ભાનુકા (36) ની શાનદાર પ્રદર્શનથી શ્રીલંકાએ બીજી મેચમાં ભારતને ચાર વિકેટથી પરાજય આપીને ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીને 1-1થી બરાબર કરી દીધી હતી. ચામિકા 12 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 132 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ બે બોલ બાકી રહેતાં મેચ જીતી લીધી. ભારત તરફથી કુલદીપ યાદવે 30 રનમાં બે વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની જીતમાં ધનંજય ડી સિલ્વાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. ડી સિલ્વાએ 34 બોલમાં 40 રનની અણનમ અને કિંમતી ઇનિંગ્સ રમી હતી. 

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની 100 રનની અંદર 3 વિકેટ પડી ગઈ હતી. ભારતનો કોઇ પણ બેટ્સમેન 40 પ્લસનો આંકડો પાર કરી શક્યો નહીં. ભારત તરફથી શિખર ધવને 40 રન બનાવ્યા. આ સિવાય દેવદત્ત પૌડિકલ 29 અને રૂતુરાજ ગાયકવાડે 21 રનનું યોગદાન આપ્યું હતું. તે જ સમયે શ્રીલંકા માટે અકિલા ધનંજાયાએ 29 રનમાં બે વિકેટ ઝડપી હતી. આપને જણાવી દઈએ કે પહેલા ટી-20 માં ભારતે શ્રીલંકાને 38 રનથી હરાવ્યું હતું. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી અને નિર્ણાયક મેચ આજે એટલે કે ગુરુવારે રમાશે.