લંડન 
વર્લ્ડ નંબર વન નોવાક જોકોવિચ બુધવારે ૧૦ મી વખત વિમ્બલ્ડનની સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. પાંચ વખતના ચેમ્પિયન જોકોવિચે હંગેરીના માર્ટેન ફુસ્કોવિક્સને ત્રણેય સેટમાં ૬-૩, ૬-૪, ૬-૪ થી હરાવ્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચે મેચ બે કલાક અને ૧૭ મિનિટ સુધી ચાલી હતી. તેણે પહેલો સેટ ફક્ત ૪૨ મિનિટમાં જ જીત્યો હતો. આ પછી તેણે બંને સેટમાં શાનદાર વિજય નોંધીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકોવિચ ૪૧ મી વખત ગ્રાન્ડ સ્લેમની સેમિફાઇનલમાં પહોંચ્યો છે. ગ્રાસ કોર્ટ પર તે તેની ૧૦૦ મી જીત હતી. આપને જણાવી દઈએ કે જોકોવિચ સોમવારે (૫ જુલાઈ) ૧૨ મી વખત વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો હતો. તેણે ચિલીની ક્રિસ્ટિયન ગૈરિનને ૧ કલાક ૪૯ મિનિટમાં ૬-૨, ૬-૪, ૬-૨થી હરાવ્યો હતો. જોકોવિચ ૫૦ મી વખત ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો હતો.
જોકોવિચ સેમીફાઈનલમાં ૧૦ માં ક્રમાંકિત ડેનિસ શાપોવાલોવ સામનો કરશે. બીજી ક્વાર્ટર ફાઇનલમાં ૨૨ વર્ષિય શાપોવાલોવ વિમ્બલ્ડનમાં પાંચ સેટની જીત બાદ તેની કારકિર્દીની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. શાપોવલોવે ખાચનોવને ૬-૪, ૩-૬, ૫-૭, ૬-૧, ૬-૪ થી હરાવ્યો હતો.