રાજકોટ-

રાજકોટ જિલ્લામાં આજે ત્રીજા દિવસે સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યાં છે. જસદણ પંથકમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. એક કલાકમાં દોઢ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. બીજી તરફ, કાગવડ નજીક ખોડલધામમાં મોડી રાત્રે વીજળીના કડાકાનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે. ભારે વરસાદથી જસદણ પંથક પાણી પાણી થયું છે. જસદણના આટકોટ, પાંચવડા, ખારચિયા, જંગવડ, જીવાપર, ગુંદાળા, વીરનગર સહિતનાં ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. એક કલાકમાં દોઢ ઈંચ જેવો વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર પાણી ભરાયાં છે તેમજ રસ્તાઓ પર પાણી ભરાયેલાં નજરે પડ્યાં હતાં. ખેતરો પણ પાણી પાણી થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. વીજળીના કડાકાભડાકા થતાં લોકોમાં ભયનું મોજું પ્રસરી ગયું હતું. હજુ પણ આકાશમાં કાળાં ડિબાંગ વાદળો જોવા મળી રહ્યાં છે. ભાદરવામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે.