વડોદરા

શિયાળો બારણે ટકોરા મારી રહ્યો છે એટલે સવારે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. જાે કે, બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હાલ ઠંડી અને ગરમી એમ બે ઋતુઓનો અહેસાસ થતાં જેના કારણે શરદી, ઉધરસ, વાઈરલ ફીવરના કેસોમાં ર૦થી ૩૦ ટકા જેટલો વધારો જાેવા મળી રહ્યો છે. જીવલેણ કોરોના વાઈરસની હજી કળ વળી નથી તેવા સમયે સિઝનલ બીમારીઓએ માથું ઊંચકતાં આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો જાેવા મળી રહ્યો છે.

ઠંડી અને ગરમીના ચક્કરમાં અટવાયેલા અને સિઝનલ ફલૂમાં સપડાયેલા લોકો સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દોડવા લાગ્યા છે જેમાં શરદી, ખાંસી, ઉધરસ, ફીવરની અસરવાળી વ્યક્તિઓ સયાજી હોસ્પિટલમાં વધુ જાેવા મળી રહી છે. તબીબીસૂત્રોના જણાવ્યા અનુસાર કોરોનાની મહામારીના વાતાવરણમાં સયાજી હોસ્પિટલમાં સામાન્ય અને અન્ય દર્દના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થયો હોવાનું જાેવા મળ્યું હતું. પરંતુ આ ડબલ ઋતુની સીઝનમાં કોરોના વાઈરસના લક્ષણો જેવા જ શરદી, ખાંસી, તાવ, ઉધરસ, બેચેની, અશક્તિ અને સાંધાના દુઃખાવા થતાં લોકો કોરોનાના ફફડાટ વચ્ચે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દોડી રહ્યા છે.

આવી સ્થિતિમાં લોકોએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે તેમજ હજુ પણ કોરોના સદંતર નાબુદ થયો નથી તેનું આક્રમણ નરમ પડયું છે એ લોકોએ ભૂલવું ન જાેઈએ તેમ તબીબીસૂત્રોએ જણાવ્યું છે અને કોરોના પ્રોટેકશન માટે જે સાવચેતી રાખવામાં આવતી હતી, તે જ પ્રમાણે સાવચેતી રાખવી હિતાવહ હોવાનું ઉમેર્યું હતું.