સિડની

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ડેવિડ વોર્નર 5 રનમાં આઉટ થતાં કાંગારૂની શરૂઆત ખરાબ રહી હતી. જોકે એ પછી વિલ પુકોવ્સ્કી અને માર્નસ લબુશેને બાજી સંભાળી ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સને સ્થિરતા આપી છે. ટી-બ્રેક સમયે ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટના નુકસાને 93 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં છે તો એમાં તેમના બેટ્સમેન જેટલો જ ફાળો ભારતીય વિકેટકીપર ઋષભ પંતનો છે.

વિલ પુકોવ્સ્કી 26 રને રમી રહ્યો હતો ત્યારે રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં કીપર ઋષભ પંતે તેનો સરળ કેચ છોડ્યો હતો. એ પછી સિરાજની બોલિંગમાં પણ પંતે પુકોવ્સ્કીનો જ કેચ છોડ્યો હતો, એ સમયે ઓસ્ટ્રેલિયન ઓપનર 32 રને રમી રહ્યો હતો. 

પંતની નબળી વિકેટકીપિંગ ફેન્સથી સહન થઈ નથી. તેઓ અત્યારે હેરાફેરી, જેઠાલાલ સહિત વિવિધ મિમ્સ શેર કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે.