વડોદરા

બરોડા મેડિકલ કોલેજ સંલગ્ન સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા જુનિયર રેસિડન્સ તથા સિનિયર રેસિડન્સ ડોકટરો તેમની મુખ્ય ચાર માગણીઓ સાથે ગઈકાલ સાંજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જાે કે, તબીબો દ્વારા ઈમરજન્સી આઈસીયુ, કોવિડ અને પ્રસૂતિ વિભાગમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે સેવાઓ આપવામાં આવી હતી.

આજે હડતાળ-આંદોલનના ભાગરૂપે તબીબો હોસ્પિટલના કેમ્પસમાં સુપ્રિ.ની ઓફિસ બહાર એકત્રિત થઈ દેખાવો યોજી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ તબીબોની હડતાળને પગલે તમામ પ્રાધ્યાપકો અને સિનિયર તબીબોની રજાઓ હોસ્પિટલના વહીવટી તબીબ અધિકારીએ રદ કરીને દર્દીઓની સારવારમાં તકલીફ ન થાય તે માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના મહામારી નરમ પડી રહી છે પરંતુ નાબુદ થઈ નથી. ત્યારે કોરોનાના પીકઅપ વખતે પ્રથમ વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી) તબીબો હતા નહીં ત્યારે સિનિયર રેસિડન્સ ડોકટરોને કોરોનાની ડયૂટીને કારણે તેમનું શિક્ષણકાર્ય વેડફાયું હતું. હવે આ સિનિયર તબીબોને એક વર્ષની ફરજ અંતરિયાળ ગામોમાં સોંપવામાં આવે છે પરંતુ તેમનો અભ્યાસ બગડવાથી આ તબીબો માતૃસંસ્થામાં જ (જ્યાં અભ્યાસ કરતા હોય ત્યાં જ) નિમણૂક અપાય તેવી માગ કરી રહ્યા છે. આ ઉપરાંત સાતમા પગાર પંચનો હજુ સુધી અમલ કરાયો નથી તેમજ બોન્ડના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો નથી, તેમાં વધારો કરી આપવામાં આવે.

આ અંગે અગાઉ ગાંધીનગર ખાતે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં આરોગ્ય કમિશનરે તેઓની રજૂઆત સાંભળવાને બદલે અપમાનિત કરી ખદેડી મૂકવામાં આવ્યા હતા. જેથી રેસિડન્સ ડોકટરોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી અને જેડીએ (જુનિયર ડોકટર્સ એસોસિયેશન) દ્વારા સરકાર સામે બાંયો ચઢાવી ગઈ સાંજ બુધવારથી અચોક્કસ મુદતની હડતાળનું આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે, જેના ભાગરૂપે આજે રપ૦ થી ૩૦૦ તબીબો હોસ્પિટલના કેમ્પસમાં એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ રેસિડેન્ટ તબીબોની હડતાળને ગેરવાજબી ગણાવી ઃ તબીબોને ફરજ પર હાજર થવા આદેશ

રાજ્ય સરકારની મેડિકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોના રેસિડેન્ટ ડોકટર્સ તેમની મુખ્ય ચાર માગણીઓ સાથે ચલાવી રહેલા હડતાળને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તદ્દન ગેરવાજબી ગણાવી છે અને કોઈ પણ કારણો વગર દર્દીઓને હાલાકી પહોંચાડવાનો પ્રયાસ ગણાવી જણાવ્યું છે કે, તમામ તબીબોને દર્દીઓની સેવા કરવી તે પોતાની નૈતિક ફરજ ગણાવી છે અને પોતાની ફરજ પર તાત્કાલિક હાજર થઈ જવાનો આદેશ કર્યો છે. અન્યથા રાજ્ય સરકાર દ્વારા એપેડેમિક એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. 

અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રવેશ સમયે આપેલ

બોન્ડ શરત મુજબ એક વર્ષ ત્રણ વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપવાની થાય છે. વધુમાં ઉમેર્યું છે કે રાજ્ય સરકાર દ્વારા બોન્ડેડ તબીબોને કોવિડ સમયેની ફરજ અન્વયે વધારાના લાભો આપવામાં આવ્યા હતા. અંતે તબીબોની હડતાળને ગેરવાજબી ગણાવી તબીબોને ફરજ પર હાજર થવા આદેશ કર્યો છે.

નાયબ મુખ્યમંંત્રીનો આદેશ ન માની તબીબો આંદોલન આગળ ધપાવવા મક્કમ

રાજ્ય સરકાર સંચાલિત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો દ્વારા તેમની ચાર મુખ્ય માગણીઓ સાથે સરકારમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી જ્યાં આરોગ્ય ઉચ્ચ અધિકારીઓએ રજૂઆત ન સાંભળી તેમને ખદેડી મૂકવામાં આવ્યા હતા. જેથી રોષે ભરાયેલા તમામ તબીબોએ સરકાર સમક્ષ હડતાળનું આંદોલન છેડયું છે જે આંદોલન અને તબીબોના અવાજને દબાવી દેવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તબીબો સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી ફરજ પર હાજર થવા આદેશ કર્યો હતો.