અમદાવાદ-

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ડે-નાઈટ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ભારતની પહેલી ઇનિંગ્સ આ સમયે ચાલુ છે. મેચનાં પ્રથમ દિવસે ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઈંગ્લિશ બેટ્સમેનો ભારતીય સ્પિન બોલરોની સામે મેદાનમાં ટકી શક્યા નહોતા અને પૂરી ટીમ પ્રથમ ઈંનિંગમાં 112 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઇન્ડિયા તરફથી અક્ષર પટેલે છ અને રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી. ત્રીજી ટેસ્ટ મેચનાં બીજા દિવસે રમત શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમનો સ્કોર ઈંગ્લેન્ડની ટીમનાં સ્કોરને વટાવી ગયો છે. ભારતીય ટીમે હવે ઈંગ્લેન્ડને લીડ આપવાનું શરૂ કરી દીધું છે. રોહિતનો પ્રથમ દિવસનાં અંત સુધી સાથ આપનાર રહાણે ફરી એકવાર પોતાની ઇનિંગ્સ મોટી બનાવવામાં નિષ્ફળ ગયો હતો. રહાણે એલ્બી આઉટ થયો હતો. તેની વિકેટ સ્પિનર ​​જેક લીચે લીધી હતી. ભારતને 114 રનનાં સ્કોર પર ચોથો ફટકો લાગ્યો છે. રહાણેનાં આઉટ થયા બાદ, રિષભ પંત રોહિતનો સાથ આપવા પહોંચ્યો હતો.