દુબઈઃ 

 ચેન્નઈ સુપર કિંગ્સ શુક્રવારે આત્મવિશ્વાસથી ભરેલી દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ઈન્ડિયન પ્રીમિયર લીગ મા પોતાના ત્રીજા મુકાબલા પહેલા બેટિંગ ક્રમમાં કેપ્ટન એમએસ ધોની ના સ્થાન પર વિચાર કરવા ઈચ્છશે. શારજાહની બેટિંગ ફ્રેન્ડલી પિચ પર રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મળેલી હાર માટે પોતાના સ્પિનરોના ખરાબ પ્રદર્શન અને નિરાશાજનક 20મી ઓવરને જવાબદાર ઠેરવી શકાય છે. પરંતુ બેટ્સમેન ખુદને સંપૂર્ણ રીતે તેનાથી દોષમુક્ત ન કરી શકે વિશેષ કરીને મુરલી વિજય, કેદાર જાધવ અને ખુદ કેપ્ટન ધોની.

ધોની 7મા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે સેમ કરન, જાધવ અને રુતુરાજ ગાયકવાડને ખુદની પહેલા બેટિંગ માટે મોકલ્યા પરંતુ આ રણનીતિ નિષ્ફળ રહી, જેથી ફાફ ડુ પ્લેસિસ પર ઓછા સમયમાં વધુ રન બનાવવાનો દબાવ વધી ગયો.

દિલ્હી કેપિટલ્સ માટે શરૂઆતી મેચમાં જીતથી તેના ખેલાડીઓનો આત્મવિશ્વાસ ખુબ વધી ગયો છે, પરંતુ રવિચંદ્રન અશ્વિનની ખભાની ઈજાને કારણે તે નહીં રમે તેવી સંભાવના છે. જેથી તેણે બોલિંગ લાઇનઅપમાં ફેરફાર કરવો પડશે. જો અશ્વિન ન રમે તો અમિત મિશ્રા તેના સ્થાને મેદાનમાં ઉતરી શકે છે.