શારજહાં-

IPLની 13મી સીઝનની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપરકિંગ્સને 16 રને હરાવ્યું. શારજાહમાં રમાયેલી મેચમાં રોયલ્સે 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ચેન્નઈ 6 વિકેટે 200 રન જ કરી શક્યું. IPLમાં રોયલ્સની આ ચેન્નઈ સામે બીજી સૌથી મોટી જીત છે. આ પહેલાં 28 માર્ચ 2010ના રોજ અમદાવાદ ખાતે તેણે ચેન્નઈને 17 રને માત આપી હતી.રોયલ્સની જીતના હીરો સંજુ સેમસન અને સ્પિનર રાહુલ તેવટિયા રહ્યા. સેમસને 32 બોલમાં 74 રન કર્યા, જ્યારે તેવટિયાએ ચેન્નઈના ત્રણ ખેલાડીને આઉટ કર્યા. ચેન્નઈ માટે ફાફ ડુ પ્લેસીસે સર્વાધિક 37 બોલમાં 72 રન કર્યા હતા.

સેમ કરન રાહુલ તેવટિયાની બોલિંગમાં કીપર સેમસન દ્વારા સ્ટમ્પ થયો હતો. તેણે 6 બોલમાં 2 સિક્સ અને 1 ફોરની મદદથી 17 રન કર્યા હતા. એ પછી ઋતુરાજ ગાયકવાડ પહેલા જ બોલે સ્ટમ્પ થયો હતો. શેન વોટ્સન રાહુલ તેવટિયાની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 21 બોલમાં 4 સિક્સ અને 1 ફોરની મદદથી 33 રન કર્યા હતા. એ પછી મુરલી વિજય શ્રેયસ ગોપલની બોલિંગમાં ટોમ કરન દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 3 ફોરની મદદથી 21 રન કર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી.

રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપરકિંગ્સ સામે 20 ઓવરમાં 7 વિકેટે 216 રન કર્યા હતા. આ UAEમાં IPLનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલાં 2014માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 206 રન બનાવ્યા હતા. રોયલ્સ માટે સંજુ સેમસન અને સ્ટીવ સ્મિથે ફિફટી ફટકારતાં અનુક્રમે 74 અને 69 રન કર્યા હતા, જયારે જોફરા આર્ચરે 8 બોલમાં 27 રન મારીને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો. ચેન્નઈ માટે સેમ કરને 3, જ્યારે લુંગી ગિડી, પીયૂષ ચાવલા અને દીપક ચહરે 1-1 વિકેટ લીધી હતો.

સ્ટીવ સ્મિથે સીઝનની પ્રથમ મેચમાં ઓપનિંગ કરતાં કપ્તાની ઇનિંગ્સ રમી હતી. તેણે 47 બોલમાં 4 ફોર અને 4 સિક્સની મદદથી 69 રન કર્યા હતા. આ તેની IPLમાં 9મી ફિફટી હતી. તેની પહેલાં મિડલ ઓર્ડરમાં રોબિન ઉથપ્પા અને ડેવિડ મિલરે નિરાશ કર્યા હતા. ઉથપ્પા 5 રને પીયૂષ ચાવલાની બોલિંગમાં ફાફ ડુ પ્લેસીસના હાથે કેચ આઉટ થયો હતો, જ્યારે મિલર શૂન્ય રને રનઆઉટ થયો હતો.

યશસ્વી જયસ્વાલ દીપક ચહરની બોલિંગમાં પુલ શોટ રમવા જતાં માત્ર એજ મેળવી શક્યો હતો. ચહરે જ તેનો કેચ પકડ્યો હતો. યશસ્વીએ 6 બોલમાં 6 રન કર્યા હતા. તેના આઉટ થયા પછી સંજુ સેમસને 32 બોલમાં 74 રનની તોફાની ઇનિંગ્સ રમ્યો હતો. તે 19 બોલમાં ફિફટી ફટકારનાર 8મો પ્લેયર બન્યો છે. આ લીગમાં સંજુની 11મી ફિફટી હતી. તે 19 બોલમાં ફિફટી પૂરી કરનારો ટૂર્નામેન્ટમાં આઠમો બેટ્સમેન બન્યો છે.