શ્રીનગર-

જમ્મુ કશ્મીરમાં નીમા બાનુ નામની એક ગર્ભવતી મહિલાને છેલ્લા મહિના જતા હતા અને ચોમેર હિમવર્ષા થઇ રહી હતી ત્યારે રાષ્ટ્રીય રાયફલ્સના જવાનોએ પોતાને ખભે ઊંચકીને આ મહિલાને સુરક્ષિત રીતે હૉસ્પિટલમાં પહોંચાડી હતી. સિક્યોરિટી દળો અને લશ્કરના જવાનો પર એક સમયે પથ્થરમારો કરનારા કશ્મીરી લોકોએ આવી ઘટનાઓ યાદ રાખવી જાેઇએ એમ કહેતાં ભારતીય લશ્કરના એક નિવૃત્ત મેજર ગૌરવ આર્યે પોતાના સોશ્યલ મિડિયાના એકાઉન્ટ પર વિડિયો ક્લીપ રજૂ કરી હતી.

વાત એવી બની કે નીમા બાનુને વેણ (લેબર પેઇન ) ઉપડી ત્યારે ચોમેર બરફવર્ષા થઇ રહી હતી. કોઇ વાહન મળવાની તો શક્યતા જ નહોતી. નીમા બાનુના પિતાએ રાષ્ટ્રીય રાયફલ્સના જવાનોની મદદ માગી. જવાનોએ આ મહિલાને પોતાના ખભે ઊંચકીને કલાકો સુધી વરસતા બરફમાં એને સાચવીને હૉસ્પિટલમાં પહોંચાડી. આ મહિલા અને એેનું નવજાત બાળક બંને હાલ સાજાસારાં છે. એનો યશ રાષ્ટ્રીય રાયફલ્સના જવાનોને ઘટે છે. મેજર ગોરવ આર્યે પોસ્ટ કરેલી વિડિયો ક્લીપમાં આ મહિલાને ખાટ સમેત ઊંચકીને જવાનો બરફ ખૂંદતા ચાલી રહ્યા છે એ જાેઇ શકાય છે. માર્ગો પર બરફ વધુ હોવાથી ચાલવામાં તકલીફ પડે છે છતાં દરેક જવાન પોતાની માનવતા દાખવતાં એક એક દોઢ દોઢ ફૂટ બરફમાં ચાલી રહ્યો છે.

આ વિડિયો ક્લીપ એક મહિલા પત્રકારે પણ શૅર કરી હતી અને એવી ટકોર કરી હતી કે નીમા બાનુનો પુત્ર મોટો થઇને સિક્યોરિટી દળો પર પથ્થર મારનારો નહીં બને એવી મને આશા છે. જાે કે આ મહિલા પત્રકારને સોશ્યલ મિડિયાના વપરાશકારોએ ટ્રોલ કરી હતી કે આવું લખવાની જરૂર નહોતી. અત્રે એ યાદ કરવા જેવું છે કે જ્યારે જ્યારે જમ્મુ કશ્મીરમાં ધરતીકંપ કે હિમવર્ષા જેવી કુદરતી આપત્તિ આવી છે ત્યારે ભારતીય લશ્કરના જવાનોએ પોતાના પર વિના કારણે પથ્થરમારો કરનારા લોકોને કોઇ પૂર્વગ્રહ વિના મદદ કરી હતી.