લોકસત્તા વિશેષ : કોર્પોરેશનમાં ભાજપના શાસનમાં ભાજપ સંગઠન દ્વારા પોતાના જ પક્ષના મેયરને સાઈડટ્રેક કરવાની અનેક પ્રક્રિયાની આગ હજી શાંત થઈ નથી ત્યાં કોર્પોરેશનમાં સર્વસત્તાધીશ એવા મેયરને સ્થાયી સમિતિ અધ્યક્ષ અને ખુદ મ્યુ. કમિશનર દ્વારા પણ સાઈડલાઈન કરવાનો ખેલ ખેલાતા ખળભળાટ મચી ગયો છે. કોર્પોરેશનમાં ભાજપના ૨૫ વર્ષના શાસનમાં પ્રથમ વખત મેયરને અંધારામાં રાખી કમિશનરે કોઈ બાબત સીધે સીધી સ્થાયી સમિતિમાં રજુ કરી છે. કોર્પોરેટરોને પાણીની ટાંકીની સ્થિતિ અંગે લાઈવ અપડેટ મળી રહે તે માટે બનાવવામાં આવેલી એપ અંગે મેયરને જાણ કર્યા સિવાય કમિશનરે સીધે સીધી સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરતાં હોબાળો મચી ગયો છે. ત્યારે કમિશનરની આ પ્રક્રિયા અને સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા આ અંગે મેયરને જાણ નહીં કરવામાં આવતા કોર્પોરેશનમાં સર્વોપરી કોણ? મેયર કે સ્થાયી સમિતિ તેને લઈને પણ ચર્ચાઓએ જાેર પકડ્યું છે.

કોર્પોરેશનનો વહીવટ બીપીએમસી એક્ટ મુજબ ચાલતો હોય છે. કમિશનર સામાન્ય રીતે કાયદાકીય જાેગવાઈનો અમલ કરવા સાથે નિતિ વિષયક બાબતો કે કોર્પોરેશનના હિતની બાબતો અંગે મેયર સાથે ચર્ચા કરી ત્યાર બાદ જ તેને ચુંટાયેલી પાંખ સમક્ષ મુકતા હોય છે અને આ પરંપરા વર્ષોથી કોર્પોરેશનમાં ચાલતી આવે છે. પરંતુ કોર્પોરેશનમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ભાજપ દ્વારા નિમવામાં આવેલા મેયર કેયુર રોકડીયાને બિનકાર્યક્ષમ સાબિત કરવા માટે ભાજપનું જ એક જુથ કામે લાગ્યું છે. શહેર ભાજપ સંગઠનના ઈશારે કામ કરી રહેલું આ જુથ રોજબરોજ મેયરને કોર્પોરેશન અને શહેરના મુખ્ય વિષયોથી અલિપ્ત રાખી સંગઠન સર્વોપરી છે તે સાબિત કરવા પ્રયાસ કરી રહ્યું છે.ત્યારે આ સત્તાની સર્વોપરીતાના ખેલમાં પ્રથમ વખત કમિશનરને પણ હાથો બનાવતા ભાજપમાં વિવાદ શરૃ થયો છે. લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર શુક્રવારે કોર્પોરેશનમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુ. કમિશનર સ્વરૃપ પી. દ્વારા એક એપનું પ્રેઝનટેશન આપવામાં આવ્યું હતું. કોર્પોરેશનના કોર્પોરેટરોને ઉપયોગી આ એપ અંગે મેયરને સાવ અંધારામાં રાખી કમિશનર દ્વારા સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાધાતો ઉઠ્‌યા છે. એટલું જ નહીં આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ કે પછી અન્ય કોઈ સભ્યોએ પણ મેયરનું ધ્યાન દોરવાનું ઉચીત નહીં સમજતા ભાજપની જુથબંધી સપાટી પર આવી હતી.

શું છે આ એપ?

કોર્પોરેશનના કમિશનર સ્વરૃપ પી. દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવેલી એપ પાણીની વિતરણ વ્યવસ્થાનો એક ભાગ છે. જેમાં દરેક કોર્પોરેટર, અધિકારીઓ અને પદાધિકારીઓ આ એપના માધ્યમથી શહેરની પાણીની ટાંકીના લેવલ, સંપની સપાટી અને તેની આવક અંગે માહિતગાર રહી શકશે. જેથી જાે વિસ્તારમાં પાણીની ફરિયાદ ઉભી થાય તો કોર્પોરેટરને આ એપના માધ્યમથી ટાંકી અને સંપમાં પાણીનું લેવલ શું છે તે અંગે ખરાઈ કરવા માટે ફોન કરવો નહીં પડે. એટલેકે પોતાના ફોનમાં જ કોર્પોરેટર હવે પાણીની ટાંકી અને સંપમાં કેટલું પાણી છે તે અંગે વિગતો મેળવી શકશે.

મેયર બેઠક કરતા રહ્યા અને સ્થાયી અધ્યક્ષે જાહેરાત કરી દીધી

શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવેલા આર્બીટ્રેશન અંગેના ઠરાવ અને પાણીના કકળાટ માટે અગાઉ મેયરે બોલાવેલી બેઠકના નિચોડ અંગે કેયુર રોકડીયા કોઈ જાહેરાત કરે તે પૂર્વે જ સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા બારોબાર જાહેરાત કરી દેવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર ગત સપ્તાહે પાણીના કકળાટ અંગે ભાજપના કોર્પોરેટરો સાથે મેયર ઓનલાઈન બેઠક લઈ રહ્યા હતા. ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે આજવાથી વધારાનું પાણી મેળવવા અંગે પણ ચર્ચા થઈ હતી. એટલું જ નહીં કોર્પોરેશનમાં ભાજપના હોદ્દેદારો વચ્ચે પણ આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ મેયર બેઠકો કરતા રહ્યા અને સ્થાયી સમિતિ અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ ગત સપ્તાહે કેટલાક સમાચાર માધ્યમો સાથે આજવા સરોવર પહોંચી ગયા હતા અને જ્યાં તેઓએ આજવામાંથી વધારાનું પાણી લેવામાં આવશે તેવી એકલાએ જાહેરાત કરતાં ભાજપમાં વિવાદ થયો હતો.

દરમ્યાન શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કોર્પોરેશન સામે આર્બીટ્રેશનમાં ગયેલા કોન્ટ્રાકટરોને નવા કામો નહીં આપવામાં આવે તેવી સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કોર્પોરેશનના સુત્રોના જણાવ્યા અનુસાર મેયર કેયુર રોકડીયાએ ૧૦ દિવસ અગાઉ આ અંગે કોન્ટ્રાકટરો સાથે બેઠક શરૃ કરી તેઓને આ ર્નિણયની જાણ કરી હતી.

ત્યારે પાણીના કકળાટની વાત હોય કે પછી આર્બીટ્રેશનની વાત હોય મેયર કોર્પોરેશનમાં બેઠક કરતા રહ્યા અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે તેની જાહેરાત કરી જશ ખાટવાનો ખેલ ખેલ્યા હોવાનું ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે.