વડોદરા, તા.૮

વુડા અને વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવનાર ૭૫ મી.ના રીંગરોડનુ તાજેતરમાંજ મુખ્ય મંત્રીએ ખાત મુહૂર્ત કર્યુ હતું. ત્યારે આવતિકાલે સમિયાલા અને ખટંબા ખાતે સ્થાનિક નેતાઓ ફરી ખાતમૂહૂર્તનુ ખાતમૂહૂર્ત કરીને આ રોડના પ્રથમ તબક્કાની કામગીરીનો શુભારંભ કરાવશે. ત્યારે હવે ખાતમુહૂર્ત અને શુભારંભ એમ સસ્તી પ્રસિદ્ધી મેળવવા નવો ખેલ હોવાની ચર્ચા ભાજપા મોરચે શરૂ થઈ છે.

વુડા અને વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરની ફરતે બનાવવામાં આવનાર ૭૫મી.ના રીંગ રોડની કામગીરીનુટ ખાતમૂહૂર્ત તાજેતરમાં વડોદરા ખાતે આયોજીત કાર્યક્રમમાં મુખ્ય મંત્રીએ કર્યું હતું. પ્રથમ તબક્કામાં અંદાજે ૧૬ કિ.મી.ના આ રોડની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. ત્યારે મુખ્ય મંત્રીએ કામગીરીના ખાતમૂહૂર્ત બાદ હવે સ્થાનિક નેતાઓ આવતીકાલે આ કામગીરીનો શુભારંભ કરાવશે!

ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક, મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ, વડોદરા અને છોટાઉદેપુર લોકસભાના સાંસદ, વડોદરા શહેર તેમજ જિલ્લાના ધારાસભ્યો સહિતની ઉપસ્થિતિમાં કામગીરીનો શુભારંભ આવતીકાલે કરવામાં આવશે, જેમાં બે સ્થળે સમીયાલા ગામે સવારે ૯ઃ૩૦ વાગે અને ખટંબા ગામે સવારે ૧૧ઃ૩૦ કલાકે કામગીરીનો શુભારંભ કરવામાં આવશે.