ભરૂચ-

ભરૂચ શહેર અને જિલ્લામાં સપ્ટેમ્બર મહિનાના અંતે મેઘાએ સટાસટી બોલાવતા શહેરીજનો અને પ્રજાના શ્વાસ અધ્ધર કરી દીધા છે. બુધવારે 2 કલાકમાં અંકલેશ્વરમાં આભ ફાટ્યું હોય તેવો નજારો સર્જવા સાથે આકાશમાંથી 5 ઇંચ વરસાદ ઝીકાઈ જતા સર્વત્ર તરબોળ કરી દીધું હતું. ભરૂચ શહેર અને જિલ્લામાં મંગળવારે રાતથી બુધવારે બપોર સુધી સુસવાટા મારતા પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા તોફાની વરસાદથી નદી, નાળા છલકાઈ ઉઠવા સાથે સોસાયટીઓ અને મુખ્યમાર્ગો-વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા.


અંકલેશ્વરમાં બુધવારે 2 કલાકમાં વરસેલા 5 ઇંચ વરસાદે ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર વિસ્તારને ડુબાડી દીધો હતો. અનેક વિસ્તારોમાં ઘૂંટનસમાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર અને જનજીવનને ભારે અસર પોહચી હતી. ભરૂચમાં પાંચબત્તી, સેવાશ્રમ રોડ, શક્તિનાથ ગરનાળુ, કસક નાળુ, સર્કલ, ધોળીકુઈ, દાંડિયાબજાર, ચાર રસ્તા, ગાંધીબજાર, ફુરજમાં ધોધમાર પાણી ફરી વળતા 400 થી વધુ દુકાનદારોને જીવ પડીકે બંધાયા હતા.


રાત થી લઈ બુધવાર બપોર સુધી જિલ્લામાં અંકલેશ્વર 6 ઇંચ, ભરૂચ સવા 4 ઇંચ, વાગરા 2.5 ઇંચ, ઝઘડિયા 2, નેત્રંગ 2, વાલિયા 1.5 ઇંચ જ્યારે આમોદ 9 મિમી અને જંબુસર તાલુકામાં માત્ર 8 મિમી વરસાદ નોંધાયો હતો. ટંકારીયા ગામે તળાવ ઓવરફ્લો થવાથી પાદરમાં પાણી ઘુસ્યા છે જયારે આમોડ - આછોદ રોડ ઉપર પાણી ફરી વળતા લોકોને ૧૦ કિમિ નો ફેરો પડી રહ્યો છે તો વાવાઝોડા સાથે વરસથી માચ ગામની મસ્જિદના પતરા ઉડ્યા છે.


સુસવાટા મારતા ભારે પવનો અને ગાજ વીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ થી વૃક્ષો ધરાશાય થવાના, પતરા ઉડવા સહિતના કેટલાય બનાવો જિલ્લામાં નોંધાયા હતા. કેટલાય સ્થળોએ બેનરો અને હોર્ડિંગ્સ પણ તૂટી પડ્યા હતા. ભરૂચ જિલ્લામાં વરસાદની સરેરાશ 6225 મિમી છે. જેની સામે અત્યાર સુધી 9549 મિમી એટલે કે મોસમનો 153 % વરસાદ નોંધાઇ ચુક્યો છે. ગત વર્ષે 6 વર્ષનો રેકોર્ડ તોડી સિઝનનો રેકોર્ડ બ્રેક 184.22 ટકા વરસાદ નોંધાયો હતો.