નડિયાદ : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આજથી જ્યાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, ત્યાં આદર્શ આચરસંહિતા લાગું થઈ ગઈ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલાં કાર્યક્રમ મુજબ હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મતદાન અને ત્યારબાદ નવી બોડીની રચના થવાની છે. ત્યારે ખેડા જિલ્લામાં ૫ નગરપાલિકાઓને નવા સત્તાધીશો મળશે, જ્યારે ૮ તાલુકા પંચાયતમાં પણ સત્તાના શીખરે નવા સત્તાધીશો આવશે. 

જિલ્લાની પાંચ નગરપાલિકાઓ પૈકી નડિયાદ, કપડવંજ, કઠલાલ, કણજરી અને ઠાસરામાં ચૂંટણી યોજાશે, જ્યારે તાલુકા પંચાયતોમાં ખેડા, માતર, મહેમદાવાદ, નડિયાદ, ઠાસરા, મહુધા, વસો અને ગળતેશ્વરમાં મતદાન થશે અને નવી બોડીનું આગમન થશે.

આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આજે ચૂંટણી જાહેર કરાઈ છે, જ્યારે આ માટે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ તમામ સંસ્થાઓ માટે જાહેરનામંુ પ્રસિદ્ધ થશે. ત્યારબાદ ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ છે. તેમજ ૧૫ તારીખે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ ૧૬ ફેબ્રુઆરી રહેશે. જ્યારે ૨૮ ફેબ્રુઆરીના રોજ તમામ સંસ્થાઓમાં મતદાન થશે. જરૂર જણાશે તો ૧ માર્ચનાના રોજ પુનઃમતદાનની તારીખ ફાળવવામાં આવી છે. તેમજ ૨ માર્ચે મતગણતરી થશે.

આ માટે જિલ્લા પ્રશાસન દ્વારા મતદાન મથકો ફાળવી દેવાયાં છે, જેમાં નડિયાદ તાલુકા પંચાયત માટે ૧૯૭, માતર તાલુકા પંચાયત માટે ૧૪૨, ખેડા તાલુકા પંચાયત ૧૦૩, મહેમદાવાદ તાલુકા પંચાયત માટે ૨૦૫, મહુધા તાલુકા પંચાયત માટે ૧૦૬, ઠાસરા તાલુકા પંચાયત માટે ૧૬૧, વસો તાલુકા પંચાયત માટે ૮૫, ગળતેશ્વર તાલુકા પંચાયત માટે ૧૧૬ મતદાન મથકો ફાળવાયા ફાળવાયા છે, જ્યારે નગરપાલિકાઓમાં નડિયાદમાં ૧૮૧, કપડવંજ ૪૧, કઠલાલ ૧૯, કણજરી ૧૬ અને ઠાસરા ૧૬ મથકો ફાળવાયા છે.

૨૦૧૫ વાળી તો નહીં થાય ને? કોંગ્રેસી લોબીનો હોટ ટોપિક

ખેડા જિલ્લામાં સૌથી અગત્યની સંસ્થા ગણાતી નડિયાદ નગરપાલિકાની પણ ચૂંટણી યોજાશે. નડિયાદ નગરપાલિકાના ૧૩ વોર્ડમાં ૫૨ જેટલાં નગરસેવકો ચૂંટવાના થશે. જેની પર સમગ્ર ચરોતરવાસીઓની નજર રહેશે. આમ તો નડિયાદ નગરપાલિકામાં લાંબા સમયથી ભાજપનું એકહથ્થંુ શાસન ચાલ્યંુ આવ્યું છે, પરંતુ ભાજપને સત્તાના સુકાન સરળતાથી સોંપી દેવામાં જિલ્લા અને શહેરના જ કેટલાક વિપક્ષના આગેવાનોનો હાથ હોવાના આરોપો ખુદ કોંગ્રેસની રાજકીય ગલીઓમાં ચર્ચાઈ છે. ૨૦૧૫માં થયેલી નડિયાદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે મેન્ડેટ આપ્યાં હોય તેવાં ૧-૨ નહીં, પરંતુ ૧૨થી વધુ ઉમેદવારોએ અંતિમ દિવસોમાં ફોર્મ પાછા ખેંચી કોંગ્રેસની ફજેતી કરી હતી. જેનો હાલનો જ દાખલો નડિયાદમાં રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાન બિશ્વનાથ મોહંતીજીની અધ્યક્ષતામાં યોજાયેલો નડિયાદ કોંગ્રેસના કાર્યકર્તાઓની બેઠક છે. આ બેઠકમાં પણ અનેક કાર્યકર્તાઓ અને મોટા નેતાઓમાં ૨૦૧૫ની ચૂંટણીમાં મેચ ફિક્સિંગ થયાનો ગણગણાટ જાહેરમાં કર્યો હતો. આ અંગે મોહંતીજીએ જાહેરમાં ચર્ચા કરવાને બદલે તેમને રૂબરૂ મળી રજૂઆત કરવા કાર્યકર્તાઓને જણાવ્યંુ હતંુ.

પંકજ દેસાઈના પ્રભુત્વ સામે કોંગ્રેસનો નવલોહિયો પ્રયાસ?

નડિયાદ નગરપાલિકા માટે ભાજપ સજ્જ બનીને ફરીથી પાલિકા કબજે કરવાના હેતુથી બેઠું છે. નડિયાદ ભાજપ પ્રમુખ તરીકે હિરેનભાઈ દેસાઈ નવા ચૂંટાયેલા પ્રમુખ છે. તેઓ પાસે ખાસ્સો રાજકીય અનુભવ છે. આ ઉપરાંત નડિયાદ વિધાનસભા બેઠક પર પણ છેલ્લી ૫ ટર્મથી પંકજભાઈ દેસાઈ ચૂંટાઈ રહ્યાં છે. પંકજભાઈ નડિયાદ શહેર પર ખાસ્સંુ પ્રભુત્વ છે. બીજીતરફ નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ચિરાગ બ્રહ્મભટ્ટને હટાવી કોંગ્રેસે હાર્દિક ભટ્ટ પર વિશ્વાસ મૂક્યો છે. ચૂંટણી પહેલા હાર્દિક ભટ્ટને કોંગ્રેસે આગળ કરી નડિયાદ શહેરમાં પરિણામો સુધારવા માટે પ્રયત્ન કર્યો હોવાનું મનાય છે. હાર્દિક ભટ્ટ પર કોંગ્રેસના દિગ્ગજ અને ચરોતર માટે મોભ ગણાતા દિનશા પટેલના ૪ હાથ છે. તેમણે પ્રમુખ પદ સંભાળ્યાં બાદ તરત જ એક્ટિવ મોડમાં આવી નડિયાદ માટે મુરતિયાઓ શોધવાનું શરૂ કર્યુ હોવાનું કોંગ્રેસના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. નડિયાદ નગરપાલિકા ભાજપ માટે સરળ અને સીધી રીતે આંચકી લેવામાં આવતી હતી, તે પાલિકામાં હવે ખાસ્સો જંગ જામે તેમ લાગી રહ્યંુ છે. તેમજ આ પરિણામો આગામી ૨૦૨૨નું ભવિષ્ય નક્કી કરશે, તેમ જણાઈ રહ્યંુ છે.