દુબઇ 

IPL 2020ની 21મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપરકિંગ્સને 10 રને હરાવ્યું છે. 168 રનનો પીછો કરતા ચેન્નાઈ 20 ઓવરમાં 5 વિકેટે 157 રન જ કરી શક્યું હતું. રનચેઝ દરમિયાન ચેન્નાઈએ એક સમયે 10 ઓવરમાં 1 વિકેટે 90 રન કર્યા હતા. તેમને અંતિમ 10 ઓવરમાં 78 રનની જરૂર હતી, 9 વિકેટે હાથમાં હતી, તેમ છતાં તેઓ ફિનિશિંગ લાઈન ક્રોસ કરી શક્યા નહોતા. વોટ્સનના આઉટ થયા બાદ કોલકાતાએ મેચમાં વાપસી કરી હતી. તેમના માટે શિવમ માવી, વરુણ ચક્રવર્તી, સુનિલ નારાયણ, કમલેશ નાગરકોટી અને આન્દ્રે રસેલે 1-1 વિકેટ લીધી.

શેન વોટ્સને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા 40 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી 50 રન કર્યા હતા. આ તેની લીગમાં 21મી ફિફટી હતી. તે સુનિલ નારાયણની બોલિંગમાં LBW થયો હતો. અગાઉ તેનો સાથી ફાફ ડુ પ્લેસીસ શિવમ માવીની બોલિંગમાં કીપર કાર્તિકના હાથે કેચ આઉટ થયો. તેણે 10 બોલમાં 3 ફોરની મદદથી 17 રન કર્યા હતા. જ્યારે, અંબાતી રાયુડુ 30 રને નાગરકોટીની બોલિંગમાં લોન્ગ-ઓન પર શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો.