દહેરાદૂન-

છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરાખંડનાં ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે, તેથી ઘણી જગ્યાએ ભૂસ્ખલનનો ભય છે. વરસાદ બાદ અલકનંદા નદીમાં પાણીનો ખૂબ ભરોવો થયો છે, તિહરી ગઢવાલમાં ભૂસ્ખલન થયું છે, ત્યારબાદ નેશનલ હાઇવે નંબર ૫૮ બંધ કરી દેવામાં આવ્યો છે. વળી બાગેશ્વર જિલ્લાનાં કપકોટ વિસ્તારમાં ભૂસ્ખલનની લપેટમાં આવી રહેલી એક જેસીબી આવી હતી, જેના કારણે ચાલકે જીવ ગુમાવ્યો હતો.

ભારે વરસાદને કારણે ઉત્તરાખંડનાં પૌરી-ગઢવાલમાં ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શ્રીનગરમાં નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અલકનંદા નદીમાં પાણીનું સ્તર અનેકગણું વધ્યું છે. એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જાેઇ શકાય છે કે નદીમાં પાણીનો જાેરદાર પ્રવાહ કેવી રીતે વહી રહ્યો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે તિહરી ગઢવાલનાં બિયાસી નજીક ભૂસ્ખલન થયું છે, જેના કારણે નેશનલ હાઇવે નંબર ૫૮ બંધ થઈ ગયો છે. આ હાઇવે ઋષિકેશ-શ્રીનગર હાઇવે તરીકે પ્રખ્યાત છે. વીડિયોમાં, ભૂસ્ખલન બાદ મોટી માત્રામાં પથ્થરનો કાટમાળ નીચે રસ્તા પર પડતો દેખી શકાય છે. બાગેશ્વર જિલ્લાનાં કપકોટ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે એક જેસીબી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પિંડરઘાટીનાં બધિયાકોટ-કિલપારા મોટર માર્ગમાં રસ્તાનું નિર્માણ કામ ચાલી રહ્યું હતું, પરંતુ ત્યારે જ જમીન ધસી અને ભૂસ્ખલનનાં કારણે જેસીબી ઉંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં જેસીબી ચાલકે જીવ ગુમાવ્યો હતો.