શ્રીનગર-

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. બાતમી બાદ નગરોટામાં સુરક્ષા કડક બનાવી દેવામાં આવી હતી અને દરેક બ્લોકમાં આવતા વાહનોની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન સુરક્ષા દળોએ બાન ટોલ પ્લાઝા નજીક એક ટોલ નાકા જેવું બનાવામાં આવ્યું હતું.

વાહનોની તપાસ દરમિયાન આતંકવાદીઓના જૂથે સવારે 5 વાગ્યે સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યુ હતું. ફાયરિંગ બાદ આતંકીઓ જંગલ તરફ દોડવા લાગ્યા. પછી એન્કાઉન્ટર શરૂ થયું. સુત્રોએ જણાવ્યું છે કે આ એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું કે માર્યા ગયેલા તમામ આતંકીઓ જેશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે. માર્યા ગયેલા ચાર આતંકીઓમાંથી ત્રણની લાશ મળી આવી છે. ચોથા આતંકીની લાશની તલાશી લેવામાં આવી રહી છે. ડીજીપી દિલબાગસિંહે કહ્યું કે આ એન્કાઉન્ટરમાં કેટલાક પોલીસકર્મીઓને પણ સામાન્ય ઇજાઓ પહોંચી છે. જમ્મુના એસએસપી શ્રીધર પાટિલ પણ સાધારણ ઇજાગ્રસ્ત છે.

એવું માનવામાં આવે છે કે 3-4 આતંકીઓ ટ્રક દ્વારા જમ્મુ-શ્રીનગર હાઈવે થઈને કાશ્મીર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. આ ઘટનાને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નગરોટામાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે, વાહનોની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. જોકે, ટ્રકમાં કેટલા આતંકવાદીઓ હતા તે હજુ જાણી શકાયું નથી. આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. ટ્રકમાંથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. દિલબાગસિંહે કહ્યું કે આ આતંકવાદીઓ મોટા ગુનાની શોધમાં હતા. પરંતુ સુરક્ષાદળોએ તેમને માર્યા હતા. આ એન્કાઉન્ટર એવા સમયે બન્યું છે જ્યારે ડીડીસીની ચૂંટણી યોજાવાની છે. ડીડીસી માટે પ્રથમ તબક્કાના મતદાન 28 નવેમ્બરના રોજ થવાનું છે.