વડગામ : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના શહેર નજીક આવેલા લક્ષ્મીપુરા તાલુકા શાળાના એચ-ટાટ આચાર્ય તરીકે ફરજ બજાવતાં કલ્પનાબેન રાઠોડને શિક્ષક દિન નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કલ્પનાબેન રાઠોડે ૩૧ વર્ષ ૬ માસની કુલ નોકરીમાં ૨૩ વર્ષ ૬ માસ શિક્ષક તરીકે બજાવેલ ફરજમાં વિવિધ તાલીમના તજજ્ઞ, પ્રશ્નપત્ર નિર્માણ, વિવિધ સ્પર્ધાઓ અને બાહ્ય પરીક્ષાઓના માર્ગદર્શક, સારા વક્તા, ક્રિયાત્મક સંશોધક, વિદ્યાર્થીઓના આદર્શ અને પ્રિય શિક્ષક, મોડ્યુલ લેખક, બાળકેન્દ્રી શિક્ષણ કાર્ય કરનાર, શાળાના તથા વિદ્યાર્થીઓના તમામ કાર્યક્રમોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર, રમત-ગમત, ગણિત-વિજ્ઞાન મેળામાં જિલ્લા સુધી પ્રતિનિધિત્વ સહિત અનેક શ્રેષ્ઠ કામગીરી કરી છે. કલ્પનાબેન રાઠોડ વર્ષ-૨૦૧૨થી એચ-ટાટ આચાર્ય બન્યા પછી તેઓ શાળા માટે પ્રપરિવર્તક આચાર્ય સાબિત થયા છે. સરકારના દરેક કાર્યક્રમોમાં સો ટકા કામગીરી, શાળાની સ્વચ્છતા, સલામતી, સંસ્કાર, નિયમિતતા, કન્યા કેળવણી, વાલીઓ અને ગામ લોકોનો પ્રેમ સંપાદન કરી ગુણોત્સવમાં શાળાને એ પ્લસ ગ્રેડમાં સ્થાન અપાવ્યું છે. સતત બે વર્ષથી પ્રતિભાશાળી બાળકો, એન.એમ.એમ.એસ. પરીક્ષામાં બાળકો મેરીટમાં આવવા, ચિત્ર સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની જિલ્લામાં પ્રથમ આવી રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કર્યુ છે. એકમ કસોટી, ભાષાદીપ, મિશન વિદ્યા, ઘરે શીખીએ અને વિવિધ ઓનલાઇન કામગીરી નિયત સમયગાળામાં કરવામાં આવે છે. વર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં આચાર્યા કલ્પનાબેન રાઠોડનાં માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો અને વાલીઓના સહકારથી હોમ લર્નિંગની શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે. આચાર્યા તરીકે તેઓ સમયાંતરે વાલી અને બાળકોની હોમવિઝીટ કરી ખબર-અંતર પૂછી રહ્યા છે. દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ, ગણવેશ, બુટ-મોજા, અલ્પાહાર તિથિ ભોજન, નવરાત્રી ઉજવણી, રાષ્ટ્રીય તહેવારો અને અન્ય કાર્યક્રમોની ઉજવણી, ઈનામ વિતરણ અને શાળા વિકાસના કામો સતત થઈ રહ્યા છે. તેમના પ્રયત્નોથી રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટી દ્વારા હેપ્પી સ્કુલ પ્રોજેક્ટઅંતર્ગત તેમની શાળાને દત્તક લઈ વિવિધ કાર્યક્રમો અને સવલતો પુરી પાડવામાં આવી છે. આચાર્યા તરીકે તેમને બાળકો, શિક્ષકો અને પોતાના સશક્તિકરણ દ્વારા શાળાને સશક્ત બનાવી છે તેમની શાળા સ્ત્રી સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.