સુરત-

રાજ્યમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યુ છે. તો બીજી તરફ સૌથી વધારે પોઝિટિવ કેસ હાલ સુરત અને અમદાવાદમાં સામે આવી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઇને સુરતમાં ધીમે-ધીમે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે અને હવે તંત્ર દ્વારા ફરીથી લોકોને છૂટછાટો આપવાની શરૂઆત કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ૨ રૂટ પર મ્ઇ્‌જી બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે સુરતીઓનો દારૂ પ્રત્યેનો પ્રેમ ઓછો ન થયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, છેલ્લા ૪ મહિનાઓમાં પાંચ વાઇન શોપ પરથી દારૂના વેચાણની વાત કરવામાં આવે તો જે આંકડાઓ આવ્યા છે તે ખૂબ જ આશ્ચર્ય ચકિત કરે તેવા છે. કારણ કે, ૪ મહિનાના સમયમાં સુરતીઓએ હેલ્થ પરમીટ થકી ૩.૭૭ લાખ લિટર દારૂ પીધો છે.

મહત્ત્વની વાત કહી શકાય કે, સુરતમાં પણ આંશિક લોકડાઉન લાગુ છે. તેથી સુરતમાં મોટા ભાગની દુકાનો બંધ છે અને માત્ર જીવન જરૂરિયાતની વસ્તુ મળતી હોય તેવી દુકાનમાં જ ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે આવા સમયે પણ સુરતના લાલ ગેટ વિસ્તારમાં હેલ્થ પરમીટની વાઇન શોપ ખુલ્લી જાેવા મળી રહી છે. આ વાઇન શોપ પર પરમીટ ધારકો દારૂ લેવા માટે લાંબી લાઇનો લગાવે છે. માત્રા વાઇન શોપ પર જ નહીં પરંતુ સુરતના સ્ટેશન વિસ્તાર, અઠવા અને ડુમસ રોડ પર આવેલી હોટલોમાં પણ પરમિટ ધારકો દારૂ લેવા માટે લાઈનો લગાવીને ઉભા રહેલા જાેવા મળી રહ્યા છે. તો બીજી તરફ ૧ હજાર કરતાં પણ વધારે લોકોએ દારૂની પરમીટ માટે અરજીઓ કરી છે.

મળતી માહિતી અનુસાર સુરતમાં જાન્યુઆરી મહિનામાં ૮૦ હજાર લિટર દારૂ પરમીટ ધારકોએ મેળવ્યો હતો. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં ૯૫ હજાર લિટર દારૂ મેળવ્યો હતો અને એપ્રિલ મહિનામાં તો ૧,૦૨,૦૦૦ લિટર દારૂ પરમીટ ધારકોની મેળવ્યો છે. એટલે કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સાથે સાથે દારૂના ઉપયોગમાં પણ વધારો થઇ રહ્યો છે. આમ કુલ મળીને છેલ્લા ચાર મહિનાના સમયમાં હેલ્થ પરમીટ થકી સુરતીઓ ૩.૭૭ લાખ લિટર દારૂ પી ગયા છે. તો બીજી તરફ સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮માં રાજ્યમાં દારૂની પરમીટ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા અને નવા નિયમ આધારે પરમીટ આપવાનું શરૂ છે. સુરતમાં પણ દારૂની પરમીટ મેળવવા માટે લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગત ચાર મહિનાના સમયમાં જ ૨૦૦ પરમીટનો વધારો થયો છે અને ૧૦૦૦ કરતા વધુ અરજીઓ પેન્ડિંગ હોવાનું નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.