સુરેન્દ્રનગર-

સુરેન્દ્રનગર-માલવણ હાઈવે ગત રાતે પોલીસ રૂટીન ચેકીંગમાં હતી ત્યારે કચ્છ પાસીંગની એક સ્વીફટ કાર પસાર થતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોઈને ચાલક નાશી છુટ્યો હતો. પોલીસને શંકા જતા કારનો પીછો કરીને તેને રોકવાનો પ્રયાસ કરતા કારમાં સવાર બે શખ્સોએ પોલીસ પર ફાયરીંગ કરીને ફરી નાશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર રસ્તા પરથી નીચે ઉતરી જતા આરોપીઓ ગાડી મૂકીને ભાગવા લાગ્યા હતા અને પીછો કરી રહેલી પોલીસ પર ફરી ફાયરીંગ કરી હતી. જોકે, પોલીસે વળતા જવાબમાં ફાયરીંગ કરતા ગોળી એક શખ્સના પગમાં લાગતા તે ઢળી પડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે હાઇવે ઉપર ચાલુ વહાનો એ ચોરી કરનાર ગેંગની વિદેશી દારૂ ભરેલી કારને પોલીસે માલવણ પાસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને પક્ષ તરફથી ફાયરિંગ થયું હતું.માલવણ હાઇવે પર જાણે કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે કાર અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગર તરફથી પોલીસની જીપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદમાં બુટલેગરો પોલીસની જીપ સાથે કાર અથડાવીને ભાગી ગયા હતા. 

બુટલેગરો કાર લઈને નાશી છૂટતા પોલીસે પણ તેમનો પીછો કર્યો હતો. આ દરમિયાન બુટલેગરો કાર મૂકીને ભાગી ગયા હતા. જોકે, પોલીસે બુટલેગરોને પકડી પાડવા માટે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન એક બુટલેગરના પગ પર ગોળી વાગતા તે ઝડપાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરો જાણે કે બેફામ બની ગયા છે. અહીં ઠેર ઠેર લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઠલવાતો રહે છે. 

ઘાયલ બુટલેગરને હાલ સારવાર માટે સી.યુ.શાહ મેડિકલ કૉલેજ હૉસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અહીં કોરોના ટેસ્ટ બાદ પોલીસ તેની વિધિવત રીતે ધરપકડ કરશે. આ સાથે જ પોલીસે કાર સહિત દારૂનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે. એવી પણ માહિતી મળી છે કે કારમાં બે લોકો સવાર હતા. જેમાંથી એક વ્યક્તિ ભાગવામાં સફળ રહ્યો છે.