દિલ્હી-

દેશમાં કોરોના વાયરસ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. દેશમાં આવેલી બીજી લહેરે જાણે તબાહી મચાવી દીધી છે અને પહેલીવાર ભારતમાં એક જ દિવસમાં કોરોનાનાં ૨.૬૦ લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાની આ ભયાનક ગતિને જાેતા દેશમાં ફરી એકવાર લોકડાઉનનો પોકાર સંભળાઇ રહ્યો છે. હાલમાં દેશની લગભગ ૫૭ ટકા વસ્તી પ્રતિબંધ હેઠળ છે, પરંતુ કોરોના જે રીતે બેકાબૂ થઈ ગયો છે, ત્યારે સરકાર પાસે એક માત્ર વિકલ્પ લોકડાઉન છે. જાે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં કોઈ ઉતાવળથી લોકડાઉન થશે નહીં અને હાલ આવી સ્થિતિ દેખાઈ રહી નથી.

આપને જણાવી દઇએ કે, એક ઇન્ટરવ્યુંમાં, અમિત શાહને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે, ગયા વર્ષની જેમ, લોકડાઉન ફક્ત કોરોનાને નિયંત્રિત કરવાનો એક માત્ર વિકલ્પ છે? જેના જવાબમાં શાહે કહ્યું- અમે ઘણા સ્ટેકહોલ્ડર્સોની સાથે ચર્ચા કરી રહ્યા છીએ. શરૂઆતમાં લોકડાઉન કરવાનો હેતુ જુદો હતો. અમે મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સારવારની લાઇન બનાવવા તૈયાર કરવા ઇચ્છી રહ્યા હતા. ત્યારે અમારી પાસે કોઈ દવા કે રસી નહોતી. હવે પરિસ્થિતિ જુદી છે. તેમ છતાં, અમે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચામાં છીએ. સામાન્ય સંમતિ ભલે કોઇ પણ હોય, અમે તે મુજબ જ આગળ વધીશું. પરંતુ ઉતાવળમાં લોકઆઉન કરવા જેવી સ્થિતિ દેખાઇ રહી નથી.

બીજા પ્રશ્નમાં શાહને પૂછવામાં આવ્યું હતું કે – પહેલા કોરોનાની પ્રથમ લહેર દરમિયાન ઘણી પહેલ કરવામાં આવી હતી. કટોકટીની બાબતો હવે કેમ નથી? આ અંગે તેમણે કહ્યું – આ સાચું નથી. મુખ્યમંત્રીઓ સાથે બે બેઠક થઈ હતી અને હું પણ હાજર હતો. હમણાં જ, રાજ્યનાં રાજ્યપાલો સાથે બેઠક થઈ હતી. સરકારોને ટેકો આપવા માટે સામાજિક ક્ષેત્રમાં શેરહોલ્ડરોને વધુ પ્રોત્સાહન આપવા અમારી બેઠક મળી છે. રસીકરણનાં મોરચા પર વૈજ્ઞાનિકો સાથે વાતચીત થઈ છે અને મેડિકલ પ્રોટોકોલ સુધારવા માટેની બેઠક પણ થઇ છે. તેની વિરુદ્ધ સંપૂર્ણ લડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમયે સંક્રમણની ગતિ એટલી વધારે છે કે આ લડાઈ થોડી મુશ્કેલ બની છે. પરંતુ મને વિશ્વાસ છે કે અમે આ જંગ જીતીશું.