મુંબઇ-

મહારાષ્ટ્રમાં નેતાને ઘરે કોરોનાની વેક્સિન આપવામાં આવી હોવાના અહેવાલ બાદ મુંબઈ હાઇ કોર્ટે શુક્રવારે સવાલ કર્યો હતો કે રાજકીય નેતાઓ માટે વેક્સિન આપવાની નીતિ અલગ કેવી રીતે હોઇ શકે? વૃદ્ધો, પથારીવશ અને દિવ્યાંગોને ઘરે-ઘરે જઇને વેક્સિન આપવાની માગણી સાથે કરાયેલી જનહિત અરજીની સુનાવણી દરમિયાન હાઇ કોર્ટે ઉક્ત સવાલ કર્યો હતો. વકીલ ધ્રુતી કાપડિયા અને કુનાલે પથારીવશ લોકો અને વૃદ્ધોને ઘરે જઇને વેક્સિન આપવાની માગણી સાથે જનહિત અરજી કરી હતી.

એનસીપીના પ્રમુખ શરદ પવારનું નામ લીધા વગર કાપડિયાએ કહ્યું હતું કે રાજકીય નેતાને ઘરે જઇને વેક્સિન આપવામાં આવી હોવાના સમાચાર વહેતા થયા હતા. કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે રાજકીય નેતાઓને ઘરે જઇને વેક્સિન કેવી રીતે આપી શકાય? કોર્ટે પણ પવારનું નામ લીધું નહોતું. પાલિકાના કમિશનરને કહ્યું હતું કે હાઇ કોર્ટના મેડિકલ રૂમમાં ૪૫ વર્ષથી મોટી ઉંમરના વકીલો અને કોર્ટના સ્ટાફ માટે વેક્સિન કેમ્પ બનાવવામાં આવે ત્યારે તેમણે આ બાબતે અસમર્થતા દાખવી હતી, કારણ કે ત્યાં ઇન્ટેસિવ કેર યુનિટ (આઇસીયુ) નથી. શું રાજકીય નેતાઓના ઘરે આઇસીયુની ફેસિલિટી ઉપલબ્ધ છે?, એવો સવાલ પણ કોર્ટે કર્યો હતો. જે થયું તે થઇ ગયું. આગળ જાે આવું થશે તો અમે જાેઇ લઇશું. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ વેક્સિન લેવા માટે હોસ્પિટલ સુધી જઇ શકે છે તો મહારાષ્ટ્રના નેતાઓ કેમ નહીં?, એમ કોર્ટે કહ્યું હતું