વડોદરા, તા.૨૪

વડોદરામાં ગોત્રી સ્થિત ઈસ્કોન મંદિરમાં આજે સવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને મંદિરમાં તેમના પર નર્મદા, મહિસાગર અને ગંગા જળથી જળાભિષેક કરાયો હતો. આ પ્રસંગે ભગવાનને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. જળાભિષેક બાદ ભગવાન ૧૫ દિવસ માટે મંદિરમાં ક્વોરન્ટાઈન થઈ જશે. ભગવાનના જળાભિષેક પ્રસંગે મંદિરના સ્વામી, શહેરના રાજકીય નેતાઓ, શ્રદ્ધાળુઓ, ભકતો ઉપસ્થિત રહ્યા હતા. હાલ ચાલી રહેલી કોરોના મહામારીને પગલે સતત બીજા વર્ષે પણ રથયાત્રા કાઢવી કે નહીં તે માટે સરકારના નિર્ણયની રાહ જાેવાઈ રહી હોવાનું ઈસ્કોન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી વાસુઘોષે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે સરકાર દ્વારા આ વર્ષે રથયાત્રાને પરવાનગી આપશે તો પરંપરાગત શહેરના માર્ગો ઉપર રથયાત્રા નીકળશે. પરવાનગી નહીં અપાય તો ગત વર્ષની જેમ મંદિરના પટાંગણમાં રથયાત્રા કાઢવામાં આવશે.