વડોદરા : સિરિયલ રેપિસ્ટ અને અપહરણકાર લપંટ શિક્ષક ધવલ ત્રિવેદીને સીબીઆઈ અને દિલ્હી પોલીસના સંયુક્ત પ્રયાસોથી હિમાચલ પ્રદેશ ખાતેથી ઝડપી લેવાયો છે. મૂળ વડોદરાનો શિક્ષક ધવલ ત્રિવેદી ટયૂશન આપવાના બહાને રાજ્યના સુરત, આણંદ, રાજકોટ અને વડોદરાની ૯ જેટલી વિદ્યાર્થિનીઓને પ્રેમજાળમાં ફસાવી તેમનું યૌનશોષણ કર્યંુ હોવા ઉપરાંત ખોટું નામ ધારણ કરી બે લગ્ન કરવાનો ગુનો નોંધાયો હતો. હાઈકોર્ટની સૂચના બાદ સીબીઆઈ લાંબા સમયથી ધવલ ત્રિવેદીની શોધખોળ કરી રહી હતી. અંતે લંપટ શિક્ષક ઝડપાઈ ગયો હતો તેની ઉપર રૂા.પ લાખનું ઈનામ હતું. 

સગીરાઓના યોનશોષણનો આરોપી લંપટ શિક્ષક દોષિત ધવલ ત્રિવેદી ઝડપાઈ ગયો છે. ધવલ ત્રિવેદીની દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની આંતરરાજ્ય સેલે હિમાચલ પ્રદેશમાંથી ધરપકડ કરી છે તેના ઉપર રૂા.પ લાખનું ઈનામ હતું. ધવલ ત્રિવેદી બે વર્ષ પહેલાં ચોટીલાની સગીરાને લઈને નાસી છૂટયો હતો. ૨૦૧૮માં ઓગસ્ટમાં લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી ચોટીલાની યુવતીને ભગાડી ગયો હતો. જાે કે, આ યુવતી જૂનમાં તેના માતા-પિતાના ઘરે પરત આવી હતી, જેના પગલે ચોટીલા પોલીસ અને સેન્ટ્રલ બ્રૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ યુવતીની પૂછપરછ કરી હતી. સીબીઆઈએ ધવલ ત્રિવેદી યુવતીને ક્યાં ક્યાં લઈ ગયો હતો તે અંગે ઝીણવટભરી માહિતી એકઠી કરી હતી. ધવલ ત્રિવેદને ૨૦૧૮માં પડધરીમાંથી ધો.૧૧માં અભ્યાસ કરતી બે સગીરાઓને ભગાડી જઈને દુષ્કર્મ આચરવાના આરોપસર આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ ઓગસ્ટ ૨૦૧૮માં ધવલ ત્રિવેદી પેરોલ પર જેલની બહાર આવ્યો હતો અને ચોટીલાની સગીરાને લઈને નાસી છૂટયો હતો.

આગામી એક બે દિવસમાં દિલ્હી પોલીસ ધવલ ત્રિવેદીનો કબજાે સોંપવા ગાંધીનગર સીબીઆઈ ઓફિસ આવશે તેવું જાણવા મળ્યું છે. ધવલ ત્રિવેદીને ગત વરસે પડધરીમાંથી ધો.૧૧માં અભ્યાસ કરતી બે સગીરાઓને ભગાડી જઈને દુષ્કર્મ આચરવાના આરોપસર આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ ઓગસ્ટ, ૨૦૧૮માં ધવલ ત્રિવેદી પેરોલ પર જેલની બહાર આવ્યો હતો અને ચોટીલાના ટયૂશન કલાસીસમાં જાેડાયો હતો. ત્યાં એક વેપારીની ૧૮ વર્ષીય દીકરીને મોહજાળમાં ફસાવીને ૧૧ ઓગસ્ટે ધવલ હરિચંદ્ર ત્રિવેદી નાસી છૂટયો હતો જે આજદિન સુધી સીબીઆઈની પકડથી દૂર છે. એક વર્ષ પહેલાં હાઈકોર્ટે ત્રિવેદીને મેનિયાક ગણાવી સીબીઆઈને આદેશ કર્યો હતો કે ધવલ ત્રિવેદીને તાત્કાલિક ઝડપી લઈ સગીરાને કોઈપણ ભોગે બચાવો. આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવા દરમિયાન જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ એ.સી.રાવે કહ્યું હતું કે, સીબીઆઈ માટે આ એક ખૂબ પડકારજનક કામ છે. આજીવન કારાવાસની સજાના હુકમના ચાર મહિના પછી ધવલ ત્રિવેદીએ પેરોલ પર છૂટવા અરજી કરી હતી, જેલમાં સારી ચાલચલગતના કારણે તેના પેરોલ મંજૂર કરવામાં આવ્યા, ત્યારે પોલીસને ખબર ન હતી કે ધવલ ત્રિવેદી નવમો શિકાર કરવા બહાર નીકળ્યો હતો. જેલમાંથી બહાર નીકળીને ધવલ ત્રિવેદી ચોટીલા ગયો હતો. ચોટીલામાં ધર્મેન્દ્ર દવે તરીકે ઓળખ આપીને બે દિવસમાં જ એક ક્લાસિસ સંચાલકને વાક્‌ચાતુર્યથી વિશ્વાસમાં લઈ લીધો. વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળી જાય એ માટે પોતે કમ્પિટિટીવ પરીક્ષાના ક્લાસિસ શરૂ કરવા માગતો હોવાની ઈચ્છા વ્યક્ત કરીને ક્લાસિસ સંચાલકને મનાવી લીધા હતા. ચાર દિવસમાં આઠ દસ વિદ્યાર્થિનીએ ક્લાસ જાેઈન્ટ કર્યા હતા. આ એક જ સપ્તાહમાં ૫૬ વર્ષીય ધવલ ત્રિવેદીએ ૧૮ વર્ષીય વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી. ૧૨ ઓગસ્ટે જેલમાં પરત હાજર થવાના આગલા દિવસે ધવલ ત્રિવેદીએ યુવતીને લઈને રફુચક્કર થઈ ગયો હતો. યુવતીના પિતાએ ચોટીલા પોલીસ મથકમાં અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી, ત્યાં સુધી પોલીસને ખબર ન હતી કે યુવતીને ધવલ ત્રિવેદી ભગાડીને લઈ ગયો છે. પોલીસે સીસીટીવી ચેક કરતાં ધવલ ત્રિવેદીની વધુ એક કરતૂત સામે આવી હતી. યુવતીને લઈને ભાગેલો ધવલ ત્રિવેદી અમદાવાદ પહોંચ્યો હતો.

લગ્ને લગ્ને કુંવારો શિક્ષક સ્થળ બદલતો રહ્યો

મૂળ વડોદરાના ધવલ ત્રિવેદીએ ઉચ્ચ અભ્યાસ પછી મુંબઈની એક યુવતી સાથે તરકટ રચી લગ્ન કર્યા હતા. લગ્નના છ જ મહિનામાં રહસ્યમય સંજાેગોમાં પત્નીનું અવસાન થયા બાદ તે મુંબઈથી વડોદરા આવી ગયો હતો. અહીં આવી ધવલ ત્રિવેદીએ એમ.એસ.યુનિ.માં અભ્યાસ કરતી પંજાબી યુવતીને ફસાવી હતી અને પોતે પણ પંજાબી હોવાનું જણાવી લગ્ન કર્યા હતા. બાદમાં અન્ય યુવતીને ફસાવી આણંદના આર્યસમાજમાં લગ્ન કર્યા હતા. બાદમાં વડોદરા છોડી એ રાજ્યના અન્ય શહેરોમાં જઈ વિદ્યાર્થિનીઓને ફસાવતો હતો.