વડોદરા

શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા મહારાષ્ટ્રીયનોની ઈચ્છા હતી કે, અન્ય સમાજાેની જેમ પોતાનું પણ એક માંગલિક કાર્યાલય અને કોમ્યુનિટી હોલ હોય, જે ઈચ્છા તાજેતરમાં જ પૂર્ણ થઇ છે. શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોના સર્વાંગી વિકાસ માટે આજે વાડી વિસ્તારમાં મલ્હાર મ્હાળસાકાંત મરાઠા મંદિરનું આજે વિધિવત રીતે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

આજરોજ યોજાયેલા ઉદ્‌ઘાટન સમારોહમાં રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડ, મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ, ધારાસભ્ય સીમાબેન મોહિલે, પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ અને મલ્હાર મ્હાળસાકાંતના પ્રમુખ રણજિત ચવાણ ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલા આ મહાનુભવો પૈકી રણજિત ચવાણ દ્વારા સંસ્થામાં મરાઠી ભાષી યુવાનો માટે તાલીમ માર્ગદર્શિકાના કાર્યક્રમ અને સ્ત્રી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું કામ કરવામાં આવશે. જ્યારે, મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા સંસ્થાને શૈક્ષણિક કાર્યોમાં મદદરૂપ થવાની બાહેંધરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ધારાસભ્ય સીમાબેન મોહિલે તેમજ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ દ્વારા સંસ્થાને જરૂરી તમામ રીતે મદદરૂપ થવાના વચન આપવામાં આવ્યા હતા. રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડ દ્વારા આ પ્રસંગે મહારાજા રણજીતસિંહ ગાયકવાડના વિચારોને સાકાર કરતા સંસ્મરણો વાગોળ્યા હતા. મલ્હાર મ્હાળસાકાંત મરાઠા મંદિરનું ઉદ્‌ઘાટન થતા હવે આગામી દિવસોમાં મહારાષ્ટ્રીયન કોમ્યુનિટીના મોટાભાગના કાર્યક્રમોનું ત્યાં જ આયોજન કરવામાં આવશે.