વડોદરા -

માણેજા વિસ્તારમાં ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને તેની ફોન પર મળેલા ઓર્ડર બાદ ગ્રાહકોના ઘરે જઈ હોમ ડિલિવરી કરતા યુવકની મકરપુરા પોલીસે ધરપકડ કરી હતી તેમજ તેને દારૂનો જથ્થો આપી જનાર નસવાડીના ખિચડિયા ગામમાં રહેતા મિત્રને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.

મુળ મકરપુરા ગામના બ્રાહ્મણ ફળિયાનો વતની જીતેન્દ્ર કાળીદાસ ઠાકોર હાલમાં માણેજાની ઓમકાર રેસી.માં ભાડાના મકાનમાં રહે છે. તે વિદેશી દારૂની હોમ ડિલીવરી કરતો હોવાની અને મકાનમાં દારૂનો જથ્થો છુપાવતો હોવાની જાણ થતાં ગત મોડી સાંજે મકરપુરા પોલીસે તેના ઓમકાર રેસી.વાળા મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડામાં જીતેન્દ્ર ઘરમાં મળતા પોલીસે તેને સાથે રાખી તપાસ કરી હતી અને મકાનના બેડરૂમમાં રાખેલા પલંગમાં છુપાવેલી ૯૦ હજાર રૂપિયાની વિદેશી દારૂની પ્લાસ્ટીકની ૩૦૦ બોટલો કબજે કરી હતી. પોલીસે દારૂની બોટલો અને એક મોબાઈલ ફોન સહિત ૯૧ હજારની મત્તા જપ્ત કરી જીતેન્દ્રની અટકાયત કરી હતી. તેણે આ દારૂનો જથ્થો ક્યાંથી મેળવ્યો તેની પોલીસે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા સ્થિત ખિચડિયા ગામમાં રહેતો તેનો મિત્ર કંચન ભીલ ઈક્કો કારમાં આ દારૂનો જથ્થો અત્રે આવીને તેને આપી ગયો છે.. આ વિગતોના પગલે પોલીસે કંચન ભીલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.