દિલ્હી-

ભારત અને ચીન વચ્ચે એક થી વધારે જગ્યાએ સરહદી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રવિવારે બંને દેશોના લશ્કરી વડાઓ વચ્ચે નોમેન્સ લેન્ડના વિસ્તારમાં નવમા તબક્કાની વાટાઘાટો યોજાઈ હતી અને મળતા સમાચારો મુજબ, આ મેરેથોન બેઠક ૧૫ કલાક સુધી ચાલી હતી.

અગાઉના આઠ રાઉન્ડની બેઠકો વિફળ ગઈ છે ત્યારે ગઈકાલની બેઠક સકારાત્મક રહી હોવાનું સૂત્રોેએ જણાવ્યું હતું. ભારતે લદ્દાખ સહિતના વિવાદી ક્ષેત્રમાંથી ચીને પોતાના લશ્કરને યાને પીએલએના સૈનિકોને પાછા ખેંચવા પડશે એમ સાફ શબ્દોમાં કહ્યું હતું. અગાઉ એલએસીની નજીક બેમાંથી કોઈપણ દેશ સૈન્ય જમા નહીં કરે એવું નક્કી થયા છતાં ચીને લદ્દાખમાં પોતાના સૈનિકોને જમા કરવાનું શરુ કરી દીધું હતું. ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે અટકચાળા કરતા ભારતે પણ પોતાના સૈનિકોને તૈનાત કરવા માંડ્યા હતા. યાદ રહે કે, લદ્દાખની કોતરોમાં તાપમાન માઈનસ ૩૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યારે પણ ભારતના સૈનિકો અડગ ઊભા રહીને ભારતમાતાની રક્ષા કરે છે, જ્યારે ચીનના સૈનિકોથી આટલું નીચું તાપમાન સહન થતું નથી.