અમદાવાદ-

 NASAના રીપોર્ટ પ્રમાણે ગુજરાતના ભાવનગર, ઓખા અને કંડલા સહીત ભારતના 12 શહેરોમાં સમુદ્રનું જળસ્તર વધી જવાનું મોટું જોખમ રહેલું છે.NASA એ આ રીપોર્ટ –IPCC દ્વારા હાલમાંજ બહાર પાડવામાં આવેલા પૃથ્વીના તાપમાન અંગેના રીપોર્ટને આધારે બનાવ્યો છે. IPCC ના આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2100 સુધીમાં વિશ્વ ભારે ગરમી સહન કરશે. જો કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ અટકાવવામાં નહીં આવે તો તાપમાનમાં સરેરાશ 4.4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આગામી બે દાયકામાં તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. જ્યારે તાપમાન એટલું વધી જાય છે, ત્યારે સ્વાભાવિક છે કે ગ્લેશિયર મોટા પ્રમાણમાં પીગળી જશે અને તેના પાણી મેદાનો અને ભાવનગર, ઓખા અને કંડલા જેવા દરિયાઈ વિસ્તારના શહેરોમાં વિનાશ લાવશે.

સી લેવલ પ્રોજેક્શન ટૂલ

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) એ એક સી લેવલ પ્રોજેક્શન ટૂલ (Sea Level Projection Tool) બનાવ્યું છે. જેનાથી સમયસર દરિયા કાંઠા પર આવનારી આફતોથી લોકોના જાનમાલની સુરક્ષા થઈ શકે. આ ઓનલાઈન ટૂલ દ્વારા કોઈ પણ ભવિષ્યમાં આવનારી એટલે કે વધતા સમુદ્રી જળ સ્તર(Sea Level)ના હાલ જાણી શકશે. આ ટૂલ દુનિયાના એ તમામ દેશોના સમુદ્રી જળસ્તરને માપી શકે છે જેમની પાસે દરિયાકાંઠો છે.

IPCC નો રિપોર્ટ ચિંતાજનક

IPCC રિપોર્ટ મુજબ લગભગ 80 વર્ષ બાદ એટલે કે વર્ષ 2100 સુધીમાં ભારતના 12 દરિયાકાંઠાના શહેરો સમુદ્રી જળસ્તર વધવાના કારણે લગભગ 3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જશે. એટલે કે ઓખા, મોરમુગાઓ, કંડલા, ભાવનગર, મુંબઈ, મેંગલોર, ચેન્નાઈ, તૂતીકોરન અને કોચ્ચિ, પારાદીપના કાંઠા વિસ્તાર નાનો થઈ જશે. આવામાં ભવિષ્યમાં કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોએ સુરક્ષિત સ્થળો પર જવું પડશે. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું કે સી લેવલ પ્રોજેક્શન ટુલ દુનિયાભરના તમામ વૈજ્ઞાનિકોને માહિતી આપવાં સક્ષમ છે કે સમુદ્ર જળસ્થર વધતા જમીની ક્ષેત્રફળ ઓછુ થઇ જશે જેથી આવનારા સમયમાં અનેક દ્વિપોનો દરિયામાં સમાવીષ્ટ થઇ જશે જે એક ચિંતાનો વિષય છે.

 આ અહેવાલ પ્રમાણે દરિયાકિનારે વસતા તમામ લોકોને સ્થાનાંતરણ કરવાની નોબત આવી શકે છે.ભારત સહિત એશિયાના મહાદ્વિપો પર પણ તેની અસર જોવા મળી શકે છે. હિમાલય ક્ષેત્રમાં વારંવાર ગ્લેશિયર લેક્સ ફાટવાથી આવનારા સમયમાં ઘણી મુસિબતોનો સામનો કરવો પડી શકે છે. દેશમાં આગામી કેટલાક દાયકામાં વાર્ષિક સરેરાશ વરસાદમાં વધારો થશે. ખાસ કરીને દક્ષિણી પ્રદેશોમાં દર વર્ષે મૂસળધાર વરસાદ પડી શકે છે. પહેલા જે ફેરફાર આપણને 100 વર્ષમાં જોવા મળતા હતા તે હવે 10થી 20 વર્ષની વચ્ચે જોવા મળી રહ્યા છે. ભારત સહિત સમગ્ર દુનિયા પર વૈશ્વિક તાપમાન વધવાની ઊંડી અસર પડશે. રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે તેના નુકસાનની કોઈ ભરપાઈ થશે શકશે નહીં.'