વડોદરા, તા.૨૪

ભારતીય સંસ્કૃતિના સંકલ્પ અને સાહસના પ્રતીકરૂપ સમા ગણાતા વટસાવિત્રીના વ્રતનું મહાત્મ્ય હિન્દુ ધાર્મિકમાં વર્ણવેલું છે. પૌરાણિક કથા અનુસાર રાજા સત્યવાનને યમરાજ પોતાની સાથે લઈ જાય છે ત્યારે પત્ની સાવિત્રી તેમના પતિ સત્યવાનને રોકવા યમરાજા જાય છે અને પતિને પરત લાવવા દૃઢસંકલ્પ કરે છે. જેથી યમરાજા તેના પર પ્રસન્ન થઈને ત્રણ વરદાનની સાથે પતિને પુનઃ જીવિત કરીને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપે છે. ત્યાર પછી બંને પતિ પત્ની વડના ઝાડ નીચે આવી બેઠા હતા. ત્યારથી જેઠ સુદ-પૂનમના રોજ વટસાવિત્રીના વ્રતની ઉજવણી અખંડ સૌભાગ્યવતી સન્નારીઓ દ્વારા કરવામાં આવે છે.

આજે જેઠ સુદ-પૂનમ ને ગુરુવારે વટસાવિત્રી વ્રતનો પવિત્ર દિવસ હોઈ અખંડ સૌભાગ્યવતી સન્નારીઓ નવા વસ્ત્રો પરિધાન કરી પતિના દીર્ઘાયુ માટે મંદિરોમાં તેમજ વટવૃક્ષના પવિત્ર સ્થળે પૂનમનો થાળ સાથે પહોંચી હતી, જ્યાં વટવૃક્ષને સુતરના તાંતણા સાથે ફેરા ફરી પતિના દીર્ઘાયુની કામના કરી હતી. જાે કે, આ વરસે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભૂદેવોએ પણ પૂજા-અર્ચના કરવા આવેલ સન્નારીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે પૂજાવિધિ કરાવી હતી અને મેઘરાજાએ પણ દિવસ દરમિયાન વિરામ લીધો હતો.